(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
દિલ્હીમાં ફાટી નીકળેલી કોમવાદી હિંસા દરમિયાન ઘવાયેલા અને માર્યા ગયેલા દર્દીઓનેે મહત્તમ સંખ્યામાં સરકારી જીટીબી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બાકીના પીડિતોમાં ચાલુ સપ્તાહના પ્રારંભમાં નાળામાંથી કાઢવામાં આવેલા પાંચ મૃતદેહ આરએમએલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે લોક નાયક હોસ્પિટલમાં ૩ અને એકને જગ પ્રવેશચંદ્ર હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે માર્યા ગયેલાઓમાં મોટાભાગના ૨૦-૩૫ વર્ષની વય જૂથના છે. તેમાં ૨૦-૨૪ વર્ષની વયના ૯, ૩૦-૩૪ વર્ષની વયના ૮, ૧૫-૧૯ વર્ષની વય જૂથના બે અને એક પીડિત ૯૦ વર્ષની વયના હતા. ત્રણ શબ હજીપણ ઓળખી પાડવાના બાકી છે. છેલ્લા બે સપ્તાહમાં ઘવાયેલા ૨૯૮ લોકોને હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. કુલ ૧૭૦ લોકો હુમલા અને દાઝી જવાથી ઘવાયા હતા. જ્યારે ૬૭ લોકોને ગોળી વાગી હતી અને ૩૦ લોકોને નજીવી ઇજાઓ થઇ હતી. ઘવાયેલાઓમાં ૨૯૧ પુરૂષો, છ મહિલાઓનો સમાવેશ થાય છે જ્યારે અન્ય એક વ્યક્તિની જાતિ ઓળખવાનું હજી બાકી છે. મોટાભાગના ઘવાયેલા ૨૦-૩૪ વર્ષની વય જૂથના છે જ્યારે ૧૦-૧૪ વર્ષની વયના ચાર બાળકોનો સમાવેશ થાય છે.