(એજન્સી) નવી દિલ્હી, તા.૭
કોંગ્રેસના સાંસદ ડૉ.એ.ચેલ્લાકુમારે દિલ્હી રમખાણોની ચર્ચા મુલત્વી રાખવા અંગે સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, પ૩ કિંમતી જીવ જ્યારે હિંસામાં હોમાયા છે ત્યારે દિલ્હી હિંસાની તાકીદે ચર્ચાની જરૂર છે. એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં ડૉ.ચેલ્લાએ દિલ્હી હિંસા મુદ્દે પાંચ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
૧. તમે કયો મુદ્દો ઉઠાવવા માંગો છો ?
જવાબ : અમે દિલ્હી હિંસાની સંસદમાં તાકીદે ચર્ચા ઈચ્છીએ છીએ. શા માટે હોળી પછી ચર્ચાની સરકાર વાત કરે છે ! જ્યારે પ૩ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે સરકારે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરી ચર્ચાને તાકીદે મંજૂરી આપવી જોઈએ. દિલ્હી હિંસાની ચર્ચા અમારી મુખ્ય માંગ છે.
ર. તમારી બીજી માગણીઓ કઈ છે ?
જવાબ : અમારી બીજી માગણી સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના સાંસદોનું સસ્પેન્શન પરત ખેંચવું. કોરોના વાયરસની ચર્ચામાં સોનિયા ગાંધીનું નામ લેવાની શું જરૂર હતી ? જેનાથી હોબાળો થયો.
૩. સ્પીકરે માર્ચ-ર અને પના રોજ ગૃહમાં બનેલી ઘટનાઓની તપાસ માટે સમિતિ બનાવી છે. તમારું શું માનવું છે ?
જવાબ : સરકાર આ મુદ્દાને વિકરાળ બનાવી રહી છે. જે દિલ્હીની હિંસા જેવો લાગે છે. તમે પીડિતોનો પીછો કરો છો.
૪. તમે સ્પીકરને મળી તમારા સાંસદોના નિલંબનને પરત ખેંચવા માગણી કરી ?
જવાબ : મારી જાણ મુજબ ગૃહના પક્ષના નેતાઓ તેમને મળ્યા હતા.
પ. સ્પીકર નિલંબન રદ ન કરે તો તમે આવતા અઠવાડિયે દિલ્હી હિંસા પર ગૃહમાં ચર્ચા દરમિયાન ભાગ લેશો ?
જવાબ : અમે વ્યુહરચના ઘડી રહ્યા છીએ, દિલ્હી હિંસાની ચર્ચા અમારી અગ્રીમતા છે.