અમદાવાદ, તા.૭
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી પટેલના પુત્રની યુ.એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીમાં ગેરકાયદે નિમણૂંક અંગેનો આક્ષેપ કરતો પત્ર રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતને પાઠવ્યો છે. કિરીટ પટેલે આ મુદ્દે યોગ્ય તપાસ ન કરવામાં આવતી હોવાનો પણ ઉલ્લેખ કરી જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટ અને લોકાયુક્ત પાસે જવાની તેમજ ૧૨ માર્ચથી ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી પટેલના પુત્રની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીમાં ગેરકાયદે નિમણૂકની તપાસ કરવામાં ન આવતા પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર પાઠવ્યો છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યપાલ, મુખ્યમંત્રી, તકેદારી આયોગ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને પાઠવેલ પત્રમાં આક્ષેપ કરતા લખ્યું છે કે, ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલના પુત્ર નૈતિક પટેલની યુએન મહેતા કાર્ડિયોલોજી ઇન્સ્ટીટ્યૂટ અમદાવાદમાં ગેરકાયદે નિમણૂક કરવામાં આવી છે. જે અંગે ૨૦૧૯માં પાંચ વખત અને ૨૦૨૦માં બે વખત લેખિત અને રૂબરૂમાં રજૂઆત કરવામાં આવી છે. જોકે આ અંગે કોઇ તપાસ હાથ ધરવામાં આવી છેકે નહીં તે અંગે કોઇપણ પ્રકારની માહિતી આપવામાં આવી રહી નથી.
તેમણે પત્રમાં એ પણ ઉમેર્યું છે કે, નૈતિક પટેલના શેઠ એમ.એન લો કોલેજ, પાટણના એડમિશન ફોર્મની સર્ટીફાઈડ કોપીની માગણી કરવામાં આવી છે. જેમાં નૈતિકે પ્રવેશ ફોર્મની અંદર અન્ય જગ્યાએ નોકરી કરતા હોવા અંગે પણ કોઇ ઉલ્લેખ કર્યો નથી. આ અંગે જણાવવામાં આવ્યા પછી પણ આરોગ્યના અધિક મુખ્ય સચિવ દ્વારા કોઇપણ તપાસ હાથ ધરવામાં આવી નથી. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે ૪ દિવસનો સમય આપીએ છીએ અને જો ૪ દિવસમાં કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ૧૨ માર્ચથી આરોગ્યના અધિક મુખ્ય સચિવની કચેરી બહાર સાથી ધારસભ્યો સાથે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે અને સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ હાઈકોર્ટ અને લોકાયુક્તમાં ફરિયાદ કરવા અંગે પણ પત્રમાં ચિમચી ઉચ્ચારવામાં આવી છે.