હિંમતનગર, તા.૧૧
ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે સાબરકાંડા જિલ્લાના હિંમતનગર નજીક આવેલ ગોમોર કેમ્પસમાં ધો.૧૦માં એક ડમી વિદ્યાર્થીને પકડી લેવાયા બાદ આ ડમી વિરૂદ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાના ચક્રો ગતિમાન કરાયા હતા. ઉપરાંત ગાંભોઈ કેન્દ્રમાં પણ પરીક્ષા આપતા એક પરીક્ષાર્થી પાસેથી વર્ગ નિરીક્ષકે મોબાઈલ સાથે તેને પકડી લઈ ગેરરીતિનો કેસ દાખઈ કરાવ્યો હતો.આ અગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પરીક્ષા દરમ્યાન હિંમતનગરના ગોમોર પરીક્ષા કેન્દ્રમાં એક વિદ્યાર્થીને બદલે બીજો વિદ્યાર્થી પરીક્ષા આપતા પકડાઈ ગયો હતો ત્યારબાદ આ ડમીની પૂછપરછ કરાયા બાદ તેની વિરૂદ્ધ બોર્ડના નિયમ મુજબ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. ધો.૧૦માં ગણિતનાું પેપર એકંદરે સરળ રહ્યું હોવાનું પેપર લખી બહાર આવેલા વિદ્યાર્થીઓનું કહેવું હતું. સાથો સાથ ધો.૧૦માં ગાંભોઈ કેન્દ્રમાં ગાંભોઈ ગ્રુપ સેકન્ડરી સ્કૂલમાં પરીક્ષા આપતા એક વિદ્યાર્થી પાસેથી વર્ગ નિરીક્ષકે મોબાઈલ પકડી લીધો હતો અને પરીક્ષા દરમ્યાન આ વિદ્યાર્થીએ આચરેલી ગેરરીતિ બદલ બોર્ડના સત્તાવાળાઓને જાણ કરવા માટે કાર્યવાહી કરી હતી.
બીજી તરફ બપોરના સેસન્સમાં ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી (જીવ વિજ્ઞાન)નું પેપર હતું જેમાં રપપ૩ પૈરી રપ૧૪ વિદ્યાર્થીઓ હાજર અને ૩૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ધો.૧૦ અને ૧રની પરીક્ષા દરમ્યાન કોઈ કોપીકેસ ન નોંધાયો હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી જણાવાયું હતું.