(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.૧૧
ડીસાની બનાસ નદીના પટમાં બે સગી સગીર વયની બહેનો ઉપર દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. મિત્રને મળવા ગયેલી કિશોરી અને તેની નાની બહેન સાથે બનેલી ઘટનાથી હેબતાઇ ગયેલી કિશોરીએ પરિવારજનોને જાણ કર્યા બાદ ધાડા ગામના સતીષ દરબાર અને અજમલસિંહ દરબાર સામે પોલીસ ફરીયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસાની બનાસ નદીના પટમાં બે સગી બહેનો ઉપર બળાત્કારની ઘટના સામે આવી છે જેને લઈ ને ભારે ખળભળાટ સહિત ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે આ સમગ્ર બનાવની વિગતો જોતા ફરિયાદી ડીસા તાલુકા ની કિશોરી (ઉ.વ.૧૬) ને ઘાડા ગામના સતીષ દરબાર સાથે મિત્રતા હોઇ તેઓ અવાર-નવાર રૂબરૂ તથા ફોન ઉપર વાતચીત કરતા હતા. આ દરમ્યાન મંગળવારે આરોપી સતીષ દરબારે કિશોરીને મળવા બનાસ નદીના પટમાં બોલાવી હતી. જેથી રાત્રીનો સમય હોઇ કિશોરી પોતાની નાની બહેન(ઉ.વ.૧૪) ને લઇને મળવા ગઇ હતી. કિશોરીએ ફરીયાદમાં લખાવેલ હકીકત મુજબ, આરોપી સતીષ દરબાર સાથે તેનો મિત્ર અજમલસિંહ દરબાર પણ ત્યાં હાજર હતા. ત્યારે સતીષે કિશોરીને કહ્યુ હતુ કે, તારી બહેને મારા મિત્રને રાજી કરવો પડશે. જે બાબતને લઈ આ બન્ને કિશોરી ઓ ગભરાઈ ગઈ હતી અને ત્યાંથી બન્ને બહેનો ભાગવા જતાં સતીષ અને અજમલે બંને સગીર બહેનોને પકડી બળજબરીથી બળાત્કાર કર્યો હતો. આ સાથે આ વાત કોઇને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતા કિશોરીઓ હેબતાઇ ગઇ હતી. અને ઘરે આવ્યા બાદ સમગ બાબતની જાણ પરિવારજનોને કરતા તેમણે આ બાબતે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે પોકસો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે.