મુંબઈ, તા.૧૧
ઇરફાન પઠાણની ધમાકેદાર બેટિંગના કારણે ગઈકાલે ઈન્ડિયા લિજેન્ડ્સે અનઅકેડમી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની બીજી મેચમાં શ્રીલંકા લિજેન્ડ્સને ૫ વિકેટથી હરાવી હતી. ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરી શ્રીલંકા લિજેન્ડ્સે ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવી ૧૩૮ રન બનાવ્યા. આ દરમિયાન શ્રીલંકા લિજેન્ડ્સના કેપ્ટન તિલકરત્ને દિલશાન અને ચમારા કાપુગેદેરાએ ૨૩-૨૩ રનની ઇનિંગ્સ રમી. ઇન્ડિયા લિજેન્ડ્સ તરફથી મુનાફ પટેલે ૪ વિકેટ ઝડપી હતી.
૧૩૯ રનના લક્ષ્યનો પીછો કરવા મેદાને ઉતરેલી ઈન્ડિયા લિજેન્ડ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ઓપનર બેટ્સમેન અને દિગ્ગજ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ જલ્દી પેવેલિયન ભેગા થયા હતા. વીરેન્દ્ર સહેવાગે ૩ રન જ્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર શૂન્ય રને આઉટ થયા હતા. ત્યાર બાદ મોહમ્મદ કેફે સમજદારી સાથે બેટિંગ કરી અને ૪૫ બોલરમાં ૧ છક્કાની મદદથી ૪૬ રન બનાવ્યા હતા.આ દરમિયાન યુવરાજ સિંહ પણ બેટથી કોઈ કમાલ દેખાડી ન શક્યો અને માત્ર ૧ રને આઉટ થયો. સંજય બાંગરે ૧૮ રન બનાવ્યા હતા. ત્યાર બાદ કેફ સાથે ઇરફાન પઠાણે સારી પાર્ટનરશિપ કરી. ઇરફાન પઠાણે વિસ્ફોટક બેટિંગ કરી દર્શકોને રોમાંચિત કર્યા. પઠાણે માત્ર ૩૧ બોલમાં ૬ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૫૭ રન બનાવ્યા અને અંત સુધી અણનમ રહ્યો. ઇરફાનની ધમાકેદાર બેટિંગના કારણે એક સમય મેચ ગુમાવી ચૂકેલી ઇન્ડિયા લિજેન્ડ્સની જીત સુનિશ્ચિત થઈ હતી. ઇન્ડિયા લિજેન્ડ્સની આ સતત બીજી જીત છે. આ પહેલા ટીમે વેસ્ટઈન્ડીઝ લિજેન્ડ્સને ૭ વિકેટે હરાવી હતી.