(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧
વડોદરા શહેર નજીકથી છાણી કેનાલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે સેલ્ફી લઇ રહેલા ૩ મિત્રો પૈકી એક કિશોરનો પગ લપસી જતાં કેનાલમાં ડુબી ગયો હતો. આજે ત્રીજા દિવસે વડોદરા ફાયર બ્રિગેડની ટીમે પાંચ કિલોમીટર સુધી શોધખોળ હાથ ધરી હતી. જોકે હજુ સુધી કિશોરનો કોઇ પત્તો લાગ્યો નથી. આ કિશોર ધો.૧૦માં અભ્યાસ કરે છે. હાલ તે બોર્ડની પરીક્ષા આપી રહ્યો હતો. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારનાં રોશનનગર સ્થિત અરબાઝ શફીપઠાણ ધો.૧૦માં અભ્યાસ કરે છે. હાલ તેની ધો.૧૦ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. તેને બે જ પેપર આપ્યા હતા. અરબાઝ તેના મિત્રો સાથે નર્મદા કેનાલ પાસે સેલ્ફી લઇ રહ્યો હતો. ત્યારે પગ લપસી જતાં તે ડુબવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર ઓફિસર ઓમ જાડેજા તેમની ટીમ સાથે દોડી ગયા હતા અને કિશોરની શોધખોળ હાથ ધરી હતી. લાપત્તા થયેલા કિશોરનાં પિતા રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, આજે બીજા દિવસે સવારથી અમે કિશોરની શોધખોળ હાથ ધરી છે. પરંતુ હજુ સુધી તેનો કોઇ પત્તો મળ્યો નથી. ફાયર ટીમે ભીમપુરા અંકોડીયા સુધી કિશોરની શોધખોળ કરી છે.