(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૧
સુરત જિલ્લાના માંડવી નજીક જેતપુરમાં આવેલ ફોરેસ્ટ વિભાગના કેવડી ટૂરિઝમ કેમ્પમાં બનાવવામાં આવેલ બ્રિજ ગઈકાલે તૂટી પડતા ૩૧ મુલાકાતીઓને નાની મોટી ઇજા પહોંચી હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી છ જણાને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે. બનાવને પગલે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટના અંગે તપાસનો આદેશ આપ્યો છે. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સુરત જિલ્લાના માંડવી નજીક ફોરેસ્ટ વિભાગનો કેવડી ટુરિઝમ કેમ્પ આવ્યો છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા કેમ્પમાં તળાવની આરપાર જવા માટે પંદર ફૂટનો એક બ્રિજ બનાવવામાં આવ્યો છે, જે બ્રિજનો કોન્ટ્રાકટર એરાયઝન કંપનીને આપવામાં આવ્યો હતો. દરમિયાન આ કેમ્પની ગઈકાલે ધૂળેટી તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેવા માટે ગયા હતા. મુલાકાતીઓ દ્વારા તળાવની પાર જવા માટે બ્રિજ પર ચડવાની સાથે જ એકાએક તૂટી પડતા ૩૧ જેટલા મુલાકાતીઓને નાની-મોટી ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાબડતોડ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમાંથી છ જણાને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે જાણ થવાની સાથે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, મુલાકાતીઓને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ બ્રિજ પર જતા રોક્યા હતા.
બ્રિજનો સ્ટેબિલિટી ટેસ્ટ બાકી
ફોરેસ્ટ વિભાગ દ્વારા તળાવની આરપાર જવા માટે એરાયઝન કંપની પાસે પંદર ફૂટનો બ્રિજ તૈયાર કર્યો હતો અને બ્રિજનું કામચાલુ છે, તેમજ તેનો સ્ટેબિલિટી ટેસ્ટ પણ બાકી છે. કર્મચારીઓએ મુલાકાતીઓને બ્રિજ પર જતા રોક્યા હતા, પરંતુ મુલાકાતીઓ કર્મચારીની સૂચનાને અવગણી હતી.
તપાસના આદેશ આપવામાં આવ્યા
સૂત્રોના જણાવ્યા મુજબ કેવડી ટૂરિઝન કેમ્પમાં તૈયાર કરવામાં આવેલ બ્રિજ ગઈકાલે ધરાશયી થવાની સાથે મુલાકાતીઓને ઇજા પહોંચી હોવાની જાણ થતાં વન વિભાગના નાયબ વન નિયામક પુનિત નૈયરે પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટના અંગે એસીએફ કોસાડાને તપાસના આદેશ આપ્યા છે અને એનો રિપોર્ટ ૧૦ દિવસમાં આપવાનું જણાવ્યું છે. તપાસના રિપોર્ટ બાદ જવાબદાર સામે પગલાં ભરવામાં આવશે, તેમજ કંપનીની બેદરકારી બહાર આવશે તેની સામે પણ પગલાં ભરવામાં આવશે.