(એજન્સી) તા.૧૧
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ મંગળવારે પોતાનો પ૦મો જન્મદિવસ ઉજવ્યો. દર વર્ષે કુટુંબીજનો અને પાર્ટી કાર્યકર્તાઓની સાથે ઉલ્લાસભેર જન્મદિવસ ઉજવનારા ઉમર અબ્દુલ્લાએ આ વખત નજરકેદમાં માત્ર છ લોકોની સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. જન્મદિવસના અવસર પર અબ્દુલ્લાને મળવા માટે માત્ર છ લોકોને પરવાનગી મળી શકી. અહીં સુધી કે તેમનાથી થોડાક અંતરે નજરકેદ પિતા ફારૂક અબ્દુલ્લા પણ તેમને મળી શકયા નહીં. જાણ થાય કે, બન્ને કલમ ૩૭૦ રદ થયા પછીથી બન્ને લોકો નજરકેદ છે. પિતા ફારૂક અબ્દુલ્લાને તેમના ઘરમાં જ જેલ બનાવી નજરકેદ રાખવામાં આવ્યા છે ત્યાં તેમનાથી થોડીક દૂર શ્રીનગરના એક ગેસ્ટહાઉસને જેલ બનાવી પુત્ર ઉમર અબ્દુલ્લાને નજરકેદ રાખવામાં આવ્યા છે. જન્મદિવસના અવસરે ઉમર અબ્દુલ્લાની નાની બહેન સોફિયાએ જણાવ્યું કે, મારા પિતા ફારૂક અબ્દુલ્લા પોતાના પુત્રને જન્મદિવસના અભિનંદન પણ આપી શકયા નહીં. તે અંગે તે સવારથી જ દુઃખી છે. જો આજે તે બહાર હોત તો ભાઈને સૌપ્રથમ અભિનંદન તે જ આપતા. મંગળવારે સાંજે લગભગ ચાર વાગે ઉમર અબ્દુલ્લાની મા, બહેન અને બે પિતરાઈ ભાઈ અને અન્ય બે સંબંધી જન્મદિવસનો કેક લઈને જેલ પહોંચ્યા હતા. સોફિયાએ જણાવ્યું કે, ઉમરના કેટલાક મિત્રોએ પણ તેમને મળવાની પરવાનગી માંગી હતી, પરંતુ તેમને ઈન્કાર કરી દેવામાં આવ્યો.