(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
એક સમયે કૉંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ૧૮ વર્ષ બાદ પાર્ટી સાથે સંબંધ તોડી દીધો છે. સિંધિયાના આ નિર્ણય બાદ ૨૨ ધારાસભ્યોએ પણ સ્પીકરને રાજીનામું આપી દીધું છે, જેનાથી કમલનાથ સરકાર મુશ્કેલીમાં આવી ગઈ છે. સિંધિયાનું કહેવું છે કે તેઓએ પાર્ટીને પોતાના ૧૮ વર્ષ આપ્યા, પરંતુ પાર્ટીએ તેમની ઉપેક્ષા કરી. હવે કૉંગ્રેસે જણાવ્યું કે તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયાને ૧૮ વર્ષમાં શું આપ્યું છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ધુળેટીના અવસરે કૉંગ્રસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ટિ્વટર પર સિંધિયાએ લખ્યું કે, કૉંગ્રેસમાં રહીને જનસેવા નથી કરી શકતો. હવે બુધવારે મધ્ય પ્રદેશ કૉંગ્રેસ તરફથી સિંધિયાથી જોડાયેલું એક ટિ્વટ કરવામાં આવ્યું. આ ટિ્વટમાં કૉંગ્રેસે જણાવ્યું કે, રાજકીય રીતે જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટી પાસેથી શું-શું મળ્યું છે. આ ઉપરાંત, કૉંગ્રેસે એમ પણ પૂછ્યું કે આટલું બધું આપવા છતાંય મોદી અને શાહની શરણમાં સિંધિયા કેમ ચાલ્યા ગયા ?
કોંગ્રેસે સિંધિયાને લઈને જાહેર કરી આ યાદી
• ૧૭ વર્ષ સાંસદ બનાવ્યા
• બે વાર કેન્દ્રીય મંત્રી બનાવ્યા
• મુખ્ય સચેતક બનાવ્યા
• રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા
• ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવ્યા
• કાર્ય સમિતિ સભ્ય બનાવ્યા
• ચૂંટણી અભિયાન પ્રમુખ બનાવ્યા
• ૫૦+ ટિકિટ, ૯ મંત્રી આપ્યા