(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
આગામી તા.૨૬ માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાનારી છે. જેને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે. દરમ્યાન આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વ્યાપક અસંતોષ હોવાનું જણાવી કોંગ્રેસમાં ગુજરાતની નેતાગીરી બદલવા માટે પણ આંતરિક વિખવાદ ચાલી રહ્યું છે. જો કે, અમે તો કોંગ્રેસને ગણકારતાં જ નથી એમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીના આ નિવેદન બાદ કોંગ્રેસ ભડકી હતી. ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યો, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ સીએમ રૂપાણીના નિવેદનને લઇ વળતા પ્રહારો આપવા મેદાનમાં આવી ગયા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સીધો પ્રહાર કર્યો હતો કે, વિજયભાઇને કોઇ મુખ્યમંત્રી ગણે છે કે નહીં તે પ્રજાને અને તેમના મંત્રીને પૂછો. અડધી પીચે રમવાની વાતો કરે છે. પણ ભ્રષ્ટાચારની ચિંતા કરે. તેમના ધારાસભ્યો જાહેરમાં બોલતા થયા છે. તેમના જ મત વિસ્તારમાં દારૂની રેલમછેલ થાય છે. એમના ધારાસભ્યો તેમને ગણતા નથી. મધ્યપ્રદેશ અંગે તેમણે જણાવ્યું હતું કે, ભાજપના શાસકો પ્રજા વચ્ચે જીતી શકતા નથી ત્યારે ધારાસભ્યો ખરીદી સત્તા મેળવે છે. મધ્યપ્રદેશની ઘટના કમનસીબ છે. ભાજપમાં કેતન ઇનામદાર અને બીજા ધારાસભ્યોના પડઘા હજુ સંભળાઈ રહ્યાં છે. એટલે કે મુખ્યમંત્રીની ઉંઘ ઉડી ગઇ છે. કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં ધારદાર રજૂઆત કરે ત્યારે તેમના મંત્રી લોંજમાં મળી અમને અભિનંદન આપે છે અને સૌ કોઇ જાણે છે તેમની સરકાર કયા રિમોટ કંટ્રોલથી અને કયાંથી ચાલે છે. મુખ્યમંત્રીએ કોંગ્રેસની ચિંતા કરવાની જરૂર નથી. વાસ્તવમાં, મુખ્યમંત્રીની ખુરશી ઉથલાવવા ચાલી રહેલી ભાજપના આંતરિક રાજકારણની હતાશામાં રૂપાણીએ આવું નિવેદન કર્યું હોય તેમ જણાય છે. કોંગ્રેસના ધારાસભ્ય ભરત ઠાકોરે સીએમના નિવેદનના જવાબમાં જણાવ્યું કે, કોંગ્રેસમાં નહીં પરંતુ ભાજપમાં જ આંતરિક વિખવાદ છે અને મુખ્યમંત્રી બદલવાની વાત ચાલી રહી છે. નીતિનભાઇને અમે ઓફર કરી છે. ૧૫ ધારાસભ્ય લઇને આવી જાવ તો તમે મુખ્યમંત્રી બની જશો. અમારામાં કોઇ વિખવાદ નથી. કોંગ્રેસના બીજા ધારાસભ્યો ડૉ. અનિલ જોષીયારા, રાજેન્દ્ર ઠાકોર, લલિત કગથરા, લલિત વસોયા સહિતનાઓએ પણ કોંગ્રેસમાં કોઈ વિખવાદ ન હોવાનું જણાવ્યું હતું.