(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
દેશમાં કોરોના વાયરસના વધતા પ્રકોપને રોકવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે આ જીવલેણ વાયરસ પર લગામ લગાવવા માટે અનેક નિર્દેશ જારી કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, દેશની તમામ શાળાઓ, સ્વીમિંગ પુલ, મોલ્સ, જીમ વગેરે ૩૧મી માર્ચ સુધી બંધ રાખવામાં આવે. કર્મચારીઓને ઘરમાંથી કામ કરવાની છૂટ છે. આ સાથે જ જાહેર પરિવહનનો ઉપયોગ પણ ઓછો કરવામાં આવે. કેન્દ્ર સરકારે કોનાના પ્રસારને રોકવા માટે ધાર્મિક નેતાઓને અપીલ કરી છે કે, તેઓ એવા આયોજનોથી બચે જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય.
આ સાથે જ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને દેશભરના તમામ શિક્ષણ સંસ્થાનો અને જીમને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. દેશમાં કોરોનાનો ફેલાવો સતત વધી રહ્યો છે જેને રોકવા માટે સાવચેતીના પગલાં રૂપે લોકોને મોટી સંખ્યામાં કોઇપણ સ્થળે એકત્રિત થવાથી બચવાની સલાહ આપવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, ઇરાનથી ૫૩ સાથે જ ભારતીયોનો ચોથો જથ્થો ભારતમાં પહોંચી ચૂક્યો છે. તેમણે કહ્યું કે, દેશમાં વધુ ચાર નવા કેસો સામે આવ્યા છે. ઓરિસ્સા, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને કેરળમાં એક કેસની ખરાઇ કરવામાં આવી છે. આ સમયે દેશમાં ૧૧૪ કેસો કન્ફર્મ છે. બીજી તરફ સંપર્કમાં આવનારા ૫૨૦૦થી વધુ લોકોની ઓળખ કરવામાં આવી છે જેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. અત્યારસુધી કોરોના વાયરસથી સંક્રમિત ૧૩ દર્દી સાજા થઇ ગયા છથે જ્યારે બે લોકોનાં મોત થઇ ગયા છે. વિદેશ મંત્રાલય તરફથી જણાવાયું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાર્ક નેતાઓ સાથે અસાધારણ પહેલ કરી હતી અને સાર્ક દેશોના નેતાઓએ પણ આ અંગે સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયે કોરોના વાયરસ અંગે કંટ્રોલ રૂમ શરૂ કર્યું છે. આનાથી તમામ ભારતીયોની મદદ કરવામાં આવશે. આ કોલ સેન્ટર ૨૪ કલાક કામ કરશે. પાંચ હાઇ રિસ્કવાળા વિસ્તારોથી કોરોના વાયરસને વધતા અટકાવવા માટે ભારે અંકુશ લગાવાયા છે અને પાબંદીઓ વધુ આકરી કરી દેવાઇ છે. કેન્દ્ર સરકારે ભારત અને પાકિસ્તાનની સરહદ સીલ કરી દીધી છે. સોમવારે સવારથી જ આ સરહદ પર ટ્રાફિક રોકી દેવાયું હતું.