નવી દિલ્હી, તા.ર૧
પાકિસ્તાનના પૂર્વ કપ્તાન જાવેદ મિંયાદાદ મેદાન પર હોય કે મેદાનની બહાર તે ભારત વિરૂદ્ધ હંમેશા આક્રમક જ દેખાય છે. બંને દેશોની ક્રિકેટમાં જે દુશ્મનાવટ છે મિંયાદાદ તે દુશ્મનાવટને હંમેશા જાળવી રાખે છે. પણ જ્યારે વાત ભારતીય ખેલાડીઓની પ્રશંસાની આવે છે તો મિંયાદાદ આમાં પણ પાછળ રહેતા નથી. આવું જ આ વખતે તેમણે ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી માટે કર્યું છે.
પોતાની યુ-ટ્યુબ ચેનલ પર મિંયાદાદે કોહલીની રમતની ભરપૂર પ્રશંસા કરી છે. મિંયાદાદે કહ્યું કે તેમને વિરાટની ભય વગરની બેટિંગ ખૂબ જ પસંદ છે. જો મને પૂછવામાં આવે કે ભારતીય ટીમમાં કોણ બેસ્ટ છે તો હું વિરાટ કોહલીની પસંદગી કરીશ. આ ૬ર વર્ષીય પૂર્વ કપ્તાને કહ્યું કે મને તેમના વિશે વધારે કઈ કહેવું પણ નહીં પડે. તેનું પ્રદર્શન જ બધું જણાવી દે છે. તેમના આંકડા જોઈને લોકોએ માનવું જ પડશે કે તે બેસ્ટ છે. પોતાની કારકિર્દીમાં ૧ર૪ ટેસ્ટ અને ર૩૩ વન-ડે રમનાર મિંયાદાદે કહ્યું કે કોહલીએ દ.આફ્રિકામાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અહિંયા તેણે ત્યાંની અસમતલ પિચ પર સદી ફટકારી હતી. તેમણે કહ્યું કે તમે એમ ના કહી શકો કે વિરાટ ઝડપી બોલરથી ડરે છે અને તે બાઉન્સી પિચ પર રમી શકતો નથી અથવા પછી સ્પિનરોને સારૂં નથી રમતો તે ક્લીન હિટર છે. તેને બેટિંગ કરતો જોવાનું સારૂં લાગે છે.