(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૩
કોરોના વાયરસ સંક્રમણની ભીતિ વચ્ચે હાઈકોર્ટની ખંડપીઠે નિર્દેશ જારી કર્યા છે કે રાજ્યના નારી સંરક્ષણ ગૃહોમાં રહેતી મહિલાઓ માટે કોરોના વાયરસથી બચવા માટે સલામતીના ભાગરૂપે પગલા લેવામાં આવે. નારી સંરક્ષણ ગૃહોમાં સ્વચ્છતા, સેનીટાઈઝર, માસ્ક, ડોક્ટર કે મેડિકલ ટીમ વિગેરેની વ્યવસ્થા ઉભી કરવા સહિતના નિર્દેશ અપાયા છે. જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ ગીતા ગોપી ખંડપીઠે નિર્દેશ જારી કર્યા છે. પાલનપુરની એક હેબિયસ કોર્પસ પિટિશનની સુનાવણી બાદ કોર્ટે આ હુકમ કર્યો છે. આજે હાઇકોર્ટમાં પાલનપુરની એક હેબિયસ કોર્પસ પિટિશનની સુનાવણી ચાલી રહી હતી. આ પિટિશનની સુનવણી બાદ વર્તમાન સમયમાં જ્યારે આખો દેશ કોરોના વાઇરસ સામે લડી રહ્યો છે અને ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જે રીતે કોરોના વાઇરસના કેસ સામે આવી રહ્યા છે તે જોતા તથા હાલની લોક ડાઉનની સ્થિતિને ધ્યાને લઈને ગુજરાત રાજ્યના તમામ નારી સંરક્ષણ ગૃહોમાં સ્વચ્છતા, સેનીટાઈઝર, માસ્ક, ડોક્ટર કે મેડીકલ ટીમ વિગેરેની વ્યવસ્થા ઉભી કરવા સહિતના તાત્કાલિક પગલાં લેવામાં આવે.