(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.૨૩
કોરોના વાયરસના પગલે ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી લોકોમાં ભય સાથે સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે રવિવારના રોજ જનતા કર્ફ્યુ બાદ સોમવારે હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નેશનલ હાઈવે પર વાહનોની અવર-જવર નહીંવત બની ગઈ છે. ત્યારે હિંમતનગરમાં ખાનગી હોસ્પિટલો, મેડિકલ સ્ટોર તથા જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાનો સિવાય બજારો બંધ રહ્યા છે. દરમિયાન સોમવારે હિંમતનગર નગરપાલિકા દ્વારા અગમચેતીના પગલારૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરાયો હતો. કોરોના વાયરસના ભયને લીધે સોમવારે પણ હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના પંથકમાં રહેતા લોકો ભયને લીધે બહાર નીકળવાનું ટાળીને ઘરોમાં પુરાઈ ગયા છે. જેને લઈ અનેક ઠેકાણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. હાઈવે પરની હોટલો અને ઢાબાઓ પણ બંધ થઈ ગયા છે. હિંમતનગર સહિત તલોદ અને અન્ય સ્થળે આવેલા માર્કેટયાર્ડ બંધ છે જેને લઈને ખેડૂતો પોતાનો માલ ઘરે રાખીને આ માર્કેટયાર્ડ કયારે શરૂ થશે ? તેની રાહ જોઈને બેઠા છે. પાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલના જણાવ્યા મુજબ સોમવારથી હિંમતનગરના જાહેર સ્થળોને સેેનેટાઈઝ કરવા માટે ફોગિંગ મશીનથી દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે. આમ પ્રજાને જાહેરનામા દરમિયાન જીવનજરૂરી ચીજ-વસ્તુઓ મેળવવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે શાકમાર્કેટ અને દૂધ પાર્લરો ચાલુ રખાયા છે. કરિયાણાની દુકાનો પણ ચાલુ છે. જેથી આમ પ્રજાએ ખોટી અફવાઓથી દૂર રહીને જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓની સંગ્રહાખોરી ન કરવી જોઈએ.
જાહેરનામાના ભંગ બદલ જમણવાર રાખતા ફરિયાદ
હિંમતનગરના નવા ગામના દરબાર ફળિયામાં રહેતા લક્ષ્મણસિંહ ઈરસિંહ ઝાલાએ પોતાના ઘરે સામાજિક કાર્યક્રમ હોઈ અંદાજે ૭૦થી વધુ માણસોનો જમણવાર રાખ્યો હતો. જો કે, નોવેલ કોરોના વાયરસને લઈને જિલ્લા કલેક્ટરે કલમ ૧૪૪ અંતર્ગત ચાર લોકોથી વધુને ભેગા થવા પર પ્રતિબંધ મૂકયો હોવા છતાં લક્ષ્મણસિંહએ જાહેરનામાનો ભંગ કરીને જમણવારનું આયોજન કર્યું હતું. જેને લઈને એ ડિવિઝનના પીએસઆઈ એ.જે. ચાવડાએ જમણવાર રાખનાર લક્ષ્મણસિંહ ઝાલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પાણપૂરમાં જાહેરનામાનો ભંગ કરી કવોરી ચાલુ રાખતા ચાર શખ્સોની અટકાયત
હિંમતનગર નજીક આવેલા પાણપૂર ગામની સીમમાં ચાલતી કવોરીના માલિક તોફિકભાઈ અબ્દુલ રહેમાન ખરોડિયા, સરફાઝભાાઈ કરીમભાઈ અથાણિયા, રમેશભાઈ ગૌતમભાઈ ગરાસિયા, નારણભાઈ કાનજી ખરાડી, રાકેશભાઈ રમેશભાઈ ચેનવા, ભરતભાઈ ગીરીશભાઈ ચેનવા અને રજ્જાકભાઈ ગુલામનબી મેમણે કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરીને રવિવારે તેમની કવોરીમાં માઈનિંગનું કામ ચાલુ રાખીને કલમ ૧૪૪નો સરેઆમ ભંગ કર્યો હતો તથા ચાર ટ્રક અને જેસીબી સહિત રૂા.૩ર લાખના વાહનો ઉપયોગમાં લીધા હતા. જો કે આ અંગે ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસે ટીમ સાથે પાણપૂરની સીમમાં આવેલ કવોરી ખાતે પહોંચી જઈ ચાર જણાની અટકાયત કરી હતી.