(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
શેરબજાર આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયું હતુંં. કોરોના વાયરસના ફેલાવવાને રોકવા માટે ભારતમાં લોકડાઉનની સ્થિતિ થયા બાદ શેરબજારમાં હવે સુધારો થઇ રહ્યો નથી. સેંસેક્સમાં કારોબાર શરૂ થયા બાદ ૧૦ ટકાની નિચલી સર્કિટ લિમિટ વાગી હતી જેથી ૪૫ મિનિટ સુધી કારોબાર બંધ કરાયો હતો. કારોબાર ફરી શરૂ કરવામાં આવ્યા બાદ પણ વેચવાલી જારી રહી હતી. ર૦૧૪માં જયારે મોદી વડાપ્રધાન બન્યા હતા ત્યારે શેરબજાર રપ,૦૦૦ની આસપાસ હતું. સોમવારના ઘટાડા બાદ તે રપ,૯૮૧ની સપાટી પર આવી ગયું છે. માત્ર ૧૦ દિવસના ગાળામાં જ ભારતીય બજારમાં કારોબારને રોકવાનો બીજો દાખલો બન્યો છે. અગાઉ ૧૩મી માર્ચના દિવસે નિફ્ટીમાં નિચલી સર્કિટ વાગી હતી. મે ૨૦૦૯ બાદથી પ્રથમ વખત નિફ્ટીમાં ઓપનિંગ કારોબાર દરમિયાન લોઅર સર્કિટ વાગી હતી. આજે કારોબારના અંતે ભારે અંધાધૂંધી રહી હતી અને સેંસેક્સ ૧૩ ટકા અથવા તો ૩૯૩૫ પોઇન્ટ ઘટીને ૨૫૯૮૧ની નીચી સપાટીએ રહ્યો હતો. તમામ ૩૦ શેર મંદીમાં રહ્યા હતા. નિફ્ટીમાં ૧૧૩૫ પોઇન્ટનો ઘટાડો થતાં તેની સપાટી ૭૬૧૦ રહી હતી. નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં ૧૭ ટકાનો ઘટાડો થયો હતો. એક્સિસ બેંકના શેરમાં ૨૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં પણ આવી જ સ્થિતિ રહી હતી. માર્ચ મહિનામાં રોકાણઁકારો એક લાખ કરોડથી વધારેની રકમ પાછી ખેંચી ચુક્યા છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા જોરદાર રીતે મંદી તરફ વધી રહી છે. કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે ત્યારે શેરબજારને ખુબ નીચી સપાટી ઉપર લાવવામાં કોરોના વાયરસની ભૂમિકા સૌથી મોટી રહી છે. શેરબજારમાં હાલ સુધારો થવાના કોઇ સંકેત દેખાઈ રહ્યા નથી. કારણ કો, કોરોના વાયરસ ઇન્ફેક્શનનો ડર ચિંતાજનકરીતે વધી રહ્યો છે. આરબીઆઈ અને સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. આર્થિક સ્થિતિને સાનુકુળ બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ઘણી બધી બ્લુચીપ કંપનીઓ જંગી ડિસ્કાઉન્ટમાં કામ કરી રહી છે. કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. શટડાઉનની લાંબાગાળાની સ્થિતિ મંદી તરફ લોકોને દોરી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ દ્વારા જાળવી રાખવામાં આવતા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ ૪૯૫૦૭ કરોડની રકમ પાછી ખેંચી લીધી છે. ૨૦૦૮માં સેલિંગ ક્લાઇમેક્સ બાદથી એક સપ્તાહમાં સૌથી મોટો ઘટાડો નિફ્ટીમાં થઇ ચુક્યો છે. આજથી દેશના મોટા ભાગના રાજ્યોમાં લોકડાઉનની સ્થિતી છે. આવી સ્થિતીમાં તમામ કારોબારી હચમચી ઉઠ્યા છે. શેરબજારમાં પણ કારોબાર હવે ઘરથી ચાલનાર છે.
મૂડીરોકાણકારોએ ૧૩.૮૮ ટ્રિલિયન રૂપિયા ગુમાવ્યા
શેરબજારમાં આજે સોમવારના દિવસે પણ કારોબાર શરૂ થતાની સાથે જ અંધાધુંધી ફેલાઇ ગઇ હતી અને છેલ્લે સુધી હાહાકારની સ્થિતિ રહી હતી. શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા ચિંતાનુ મોજુ રહ્યું હતું. આજે કારોબારીઓએ તીવ્ર મંદી વચ્ચે મિનિટનોના ગાળામાં લાખો કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. સેંસેક્સમાં થોડાક સમયના ગાળામાં જ ૧૩.૮૮ ટ્રિલિયન રૂપિયા ગુમાવી દીધા હતા. ગયા મહિને રોકાણકારોએ ૫૬.૨૨ ટ્રિલિયન રૂપિયા ગુમાવ્યા હતા. સેંસેક્સમાં કારોબાર શરૂ થયા બાદ ૧૦ ટકાની સર્કિટ વાગી ગઇ હતી. જેથી કારોબારને બંધ કરવાની ફરજ પડી હતી. રોકાણકારોને હાલમાં જોરદાર નુકસાન જારી છે. મૂડીરોકાણકારોની સંપત્તિ હાલમાં સતત ઘટી રહી છે. કારોબાર શરૂ થતાંની સાથે જ વૈશ્વિક બજારોની અસર વચ્ચે કારોબારીઓ નુકસાનમાં ગરકાવ થયા હતા. દુનિયાભરના બજારોમાં વેચવાલીનું દબાણ વધી ગયું છે. સ્થાનિક શેરબજારમાં પણ આજે કોહરામની સ્થિતિ રહી હતી. આજે મિનિટના ગાળામા જ કારોબારીઓએ લાખો કરોડ ગુમાવી દીધા હતા.