(સંવાદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.રપ
રાજ્યસભાના સાંસદ તથા લોકલાડીલા નેતા અહમદભાઈ પટેલ દ્વારા કોરોના વાયરસ સામે રાહત માટે વડાપ્રધાનશ્રીના રાહત ફંડમાં પોતાના એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા આપ્યા અને સાંસદ ભંડોળમાંથી શ્રમિકો, રોજનું કમાઈને રોજનું ખાનારના સ્વાસ્થ્યના સાધનો, રાશન માટે ૧ કરોડ ભંડોળ ફાળવ્યું. અહમદભાઈ પટેલે વડાપ્રધાનને સંબોધીને પત્રમાં જણાવ્યું હતું કે, રાહત ફંડમાં એક કરોડનો ચેક મોકલ્યો હતો ત્યારબાદ પીએમ સહિત મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવી ભરૂચ ખાતે કોરોના ટેસ્ટીંગ સેન્ટર વહેલીતકે શરૂ કરવા માટે માંગ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, કચડાયેલા તથા ગરીબી રેખા નીચે જીવતા લોકો જે આ રોગના પ્રકોપને લીધે ધંધા-રોજગારના અભાવમાં બેહાલી અને ભૂખમરાથી પરેશાન ન થાય તે માટે જાહેરાત, વિતરણ વ્યવસ્થા મારફત આવા જરૂરિયાતવાળા ગરીબ લોકોને અનાજ, ખાંડ, તેલ અને અન્ય જીવન જરૂરિયાત ચીજવસ્તુ વિના મૂલ્યે ઉપલબ્ધ થાય તે માટે પગલાં લેવા વિનંતી કરી હતી.
આ રોગને લીધે પરિસ્થિતિ વધુ ગંભીર થાય તે પહેલાં કોરોના રોગનું ટેસ્ટીંગ થઈ શકે તે માટે લેબોરેટરીઓની સંખ્યા વધારવા, પ્રાથમિક લક્ષણો દેખાતા જ દર્દીઓના ટેસ્ટ કરવા, સેનિટાઈઝર અને માસ્ક વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવા જોઈએ તેવી માંગ કરી હતી. કોરોના વાયરસના કારણે દર્દીઓની સંખ્યા વધે તો આવા દર્દીઓને સારવાર સમયસર મળી રહે તે માટે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં વેન્ટીલેટરો, તબીબો, પેરામેડિકલ ફોર્સ તથા દવાઓ અને આઈસોલેશન વોર્ડમાં મોટી સંખ્યામાં પથારીઓની ઉપલબ્ધતા જોઈએ તેવી માંગ કરી હતી. આ પ્રકોપ સામેની લડતમાં જાહેરહિતમાં જે કોઈ પગલાં લેવાય જેમાં સમગ્ર કોંગ્રેસ પક્ષ અને તેના કાર્યકરો સરકાર સાથે છે અને રહેશે અને આવી પડેલી આફતમાં તમામ દેશવાસીઓ માટે ચિંતા વ્યક્ત કરી હતી.