(એજન્સી) ઢાકા,તા.૨૫
બાંગ્લાદેશમાં ફસાયેલા કાશ્મીરી વિદ્યાર્થીઓના જૂથને ઢાકાના ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે, તેઓ કોઇપણ પ્રવાસ ના કરે અને ભારતની સરહદ પાર કરવાનો પ્રયાસ પણ ના કરે. આ વિદ્યાર્થીઓને ભારતની સરહદ નજીક છોડી દેવાયા છે કારણ કે, કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ભારતે પોતાની તમામ સરહદો સીલ કરી છે જ્યારે વિમાની સેવાઓ પણ બંધ કરી દીધી છે. બાંગ્લાદેશંમાં પણ બુધવારે કોરોનાને કારણે પાંચમુ મોત થયું હતું. જોકે, છેલ્લા ૨૪ કલાકમાં આ દેશમાં કોઇ નવો કોરોનાનો કેસ આવ્યો નથી. બાંગ્લાદેશમાં પણ આ રોગચાળા સામે લડવા માટે તમામ આંતરરાષ્ટ્રીય તથા ઘરેલુ ફ્લાઇટો, ટ્રેનો અને જાહેર પરિવહન પર રોક લગાવી દેવાઇ છે. સોમવારે બાંગ્લાદેશે તેના દેશમાં ૨૬મી માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું કે, કોરોના વાયરસને કારણે તેમની કોલેજો બંધ કરી દીધી છે અને વહીવટીતંત્રે તેમની હોસ્ટેલો ખાલી કરવાનું કહી ભારત જતા રહેવા કહ્યું છે. દૂતાવાસે કહ્યું કે, તેમણે સત્તાવાળાઓને વાત કરી છે અને તેઓ ભારતીય વિદ્યાર્થીઓ માટે પોતાની હોસ્ટેલો ખુલ્લી રાખશે. દૂતાવાસે કોલેજના પ્રિન્સિપાલો સાથે સંપર્ક કર્યો હતો અને ત્યાંથી ભારતના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ખેલી દેવાની મંજૂરી લેવાઇ હતી.