(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
સુરતમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અને લોકડાઉનનો કડકાઇથી અમલ કરાવવા માટે પોલીસ તંત્ર સતત કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે આ રોગ મોટી ઉંમરની વ્યક્તિઓમાં ઝડપથી ફેલાતો હોવાથી ૫૫ વર્ષથી મોટી ઉંમરના પોલીસ કર્મચારીઓને ભીડભાડવાળી જગ્યાઓ પર ડ્યુટી ન સોંપવાનો ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાયરસના લઇને શહેરમાં ઠેરઠેર લોકોને ઘર બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસના સંક્રમણથી શહેરીજનો સુરક્ષીત રહે તે માટે પોલીસ વિભાગ સતત પ્રયાસો હાથ ધરી રહ્યું છે. ત્યારે કોરોના મોટી ઉંમરની વ્યક્તિમાં વધુ ફેલાતો હોવાની વાતે સુરત પોલીસના સ્પેશિયલ ડીસીપી દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં ૫૫ વર્ષથી મોટી ઉંમરના પોલીસ કર્મચારીઓને વાહન ચેકીંગ કે ભીડભાડવાળી જગ્યાએ ડયુટી ન આપવા નિર્ણય કરાયો છે. જેથી મોટી ઉંમરના પોલીસ કર્મચારીઓ આવા રોગના સંક્રમણમાં આવતા બચી શકે છે.