Site icon Gujarat Today

આણંદ શહેરની પોળો-સોસાયટીઓમાં ઘોડેસવાર પોલીસ પેટ્રોલીંગ કરશે

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૩૧
આણંદ શહેર સહિત જીલ્લામાં છેલ્લા સાત દિવસથી લોકડાઉન ચાલી રહ્યું છે. માનવહિત માટે લેવાયેલા સરકારના આ પગલાને સાથ સહકાર આપવા તંત્ર દ્વારા અવાર નવાર અપીલ કરવામાં આવે છે તેમ છતાં લોકો ખોટી રીતે પેનીક ઉભુ કરી રહ્યા છે. જેના કારણે સવારમાં બજારો ખુલતા જ લોકોના ટોળેટોળા સરદાર ગંજની દુકાનોમાં ઉમટી પડે છે. જેથી સંક્રમણથી દુર રહેવામાં હેતુ જળવાતો નથી. જેને ધ્યાને લઈ પોલીસ તંત્ર દ્વારા સંપુર્ણ અમલ કરાવવા તથા સોસાયટી વિસ્તાર, ગલીઓ અને શેરીઓમાં પણ અમલ થાય તે માટે ઘોડા પોલીસ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવશે. આણંદ શહેરની સોસાયટીઓમાં લોકડાઉન હોવા છતાં બપોરના સમયે લોકોના ટોળેટોળા ઓટલા ઉપર કે ગલીઓમાં ભેગા મળીને બેસે છે. ખાસ કરીને મહિલાઓ મોટા પ્રમાણમાં એકત્ર થાય છે. જેને લઈને સોશીયલ ડીસ્ટન્સમાં કોઈ હેતુ જળવાતો નથી. આણંદ શહેર પોલીસ દ્વારા આ બાબતને નિવારવા માટે પણ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઘોડા પોલીસ થકી પેટ્રોલીંગ દ્વારા નજર રાખવામાં આવશે અને કોઈ દોષીત જણાશે તો તેઓની સામે ૧૪૪ અને ૧૮૮ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આણંદ શહેરમાં સરદાર ગંજમાં સવારના સમયે માનવ મહેળામણ વધી જતું હોય તેને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા સરદાર ગંજમાં આવતીકાલથી માત્ર મહિલાને પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે. તેઓની સાથે આવતા પુરુષોને પોતાના વાહન લઈને બહાર ઉભું રહેવું પડશે.

Exit mobile version