(સંવાદદાતા દ્વારા) સુરત ,તા.૪
શહેરના સહરા દરવાજા ખાતે આવેલી એપીએમસી માર્કેટમાં રોજબરોજ અવરજવર કરનાર ફેરિયાઓને પાસ આપવા માટે એકત્રિત કરી, સંચાલકો નાસી છુટયા હતા. જેના કારણે ફેરિયાઓમાં ભારે રોષની લાગણી પ્રવર્તિ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સહારા દરવાજા વિસ્તારની સરદાર માર્કેટમાં લોકડાઉન દરમ્યાન લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટી રહ્યાં છે. જેને પગલે કોરોના વાયરસનો ચેપ લાગવાની ભીતી સેવાઇ રહી છે. આ અંગે અનેકવાર માધ્યોમાં સરદાર માર્કેટ કોરોના વાયરસ માટે જીવતા બોમ્બ સમાન હોવાની વિગતો પ્રસિદ્ધ થઇ છે. જેથી તંત્રએ પણ આની નોંધ લઇ સરદાર માર્કેટમાં શાકભાજી લેવા માટે લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય તે માટે એક નિર્ણય લીધો હતો. જેમાં વેપારીઓ , ફેરીયાઓ અને શાકભાજી વેચતા ખેડૂતોને સવારે ૯ વાગ્યે પાસ આપવા માટે બોલાવ્યા હતા. પરંતુ મોટી સંખ્યામાં ફેરિયાઓ એપીએમસી પહોંચ્યાં હતાં. જેથી એપીએમસી ખાતે લોકોનો જમાવડો જોઇ સંચાલકો સ્થળ પરથી પલાયન થઈ ગયાં હતાં. જેથી પાસ લેવા માટે એકત્રિત થયેલા ફેરિયાઓમાં નિરાશા સાથે સંચાલકો પ્રત્યે ભાર રોષની લાગણી વ્યાપી જવા પામી હતી.