સુરેન્દ્રનગર, તા.૬
સુરેન્દ્રનગરનાં કુંભારપરામાં રહેતા ગૌતમભાઈ ભરવાડને અંદાજે દોઢ વર્ષ પહેલા વઢવાણ ડેરીમાં ડીરેકટરની ચુંટણીમાં ફરીયાદીના ભાભીએ ફોર્મ ભર્યું હતું. જે ફોર્મ પાછુ ખેંચવા બાબતે આરોપી રામાભાઈ ભીમાભાઈ ભરવાડ સાથે મનદુખ ચાલ્યું આવતું હતું. જેના કારણે આરોપી રામાભાઈ ભરવાડે કુંભારપરા ખાતે આવી પોતાની પાસે રહેલ રીવોલ્વર જેવા હથિયાર વડે ફાયરીંગ કરતા ફરીયાદીને કમરથી ઉપરના ભાગે ગોળી આરપાર નિકળી જતા ગંભીર ઈજાઓ પહોચાડી હતી.
જે અંગે શહેરનાં બીડીવીઝન પોલીસ મથકે આરોપી રામાભાઈ ભીમાભાઈ ભરવાડ સામે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઈ વી.પી.મલ્હોત્રા ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવમાં સામસામે મારામારી થઈ હતી. જેમાં બંને પક્ષમાં ત્રણ જેટલા લોકોને ઈજાઓ પહોચી હતી. જયારે આ ફરીયાદમાં જણાવેલ આરોપી રામાભાઈ ભરવાડને પણ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો.. ત્યારે લખતર પાસે આરોપી રામાભાઈ ભરવાડનું મોત નિપજયું હતું અને લાશનું સરકારી હોસ્પીટલ ખાતે પી.એમ.કરવામાં આવ્યું હતું. જયારે સામા પક્ષે પણ ફરીયાદની તજવીજ હાથ ધરાઈ હતી. આમ, કુંભારપરામાં થયેલ મારામારીમાં એક વ્યક્તીનું મોત નિપજતા ચકચાર મચીજવા પામી હતી.