(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૮
વૈશ્વિક મહામારી વચ્ચે પણ કેટલાક મીડિયાવાળા પોતાનું કોમવાદી માનસ છતુ કરી રહ્યા છે. સાચી હકીકત છુપાવીને ખોટી હકીકતો જણાવી એક ખાસ કોમ તથા વિસ્તારોને બદનામ કરવાનો એકપણ મોકો છોડતા નથી એક હોમિયોપેથીક ડોક્ટરને કોરોનાનો ચેપ તેના ભાઈના સંપર્કમાં આવવાથી લાગ્યો હોવા છતાં આ ડોક્ટરને શહેરની નામી મુસ્લિમ હોસ્પિટલમાંથી ચેપ લાગ્યો હોવાનું તેમજ આ વિસ્તારમાં સ્થિતિ સ્ફોટક બનશે. તેવી ખોટી માહિતી પ્રસિદ્ધ કરી બદનામ કરવાની કોશિષનો ‘ગુજરાત ટુડે’ એ સાચી માહિતી મેળવી કોમવાદી મીડિયાનો પર્દાફાશ કર્યો છે.
શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા એક સેવાભાવી શખ્સ સયાજી હોસ્પિટલનાં દર્દીઓ તથા તેમના સગાસંબંધિઓને જમવાનું આપવાની સેવા કરતાં તે કોરોનાના ઝપેટમાં ચાર દિવસ અગાઉ આવ્યા હતા. જેથી આરોગ્ય વિભાગે આ શખ્સના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરી તેમના નમુના લેતા એક કિશોર તથા તેનો તબીબી ભાઈ પણ કોરોના રોગની ઝપેટમાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું પરંતુ આ ડોક્ટર તાંદલજા વિસ્તારની ટ્રસ્ટ સંચાલિત નામી હોસ્પિટલમાં સેવા આપતા કોરોના ગ્રસ્ત થયો હોવાના ખોટા સમાચારની સાચી હકીકત બહાર લાવવા ‘ગુજરાત ટુડે’ એ તાંદલજાના મુઆવિન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મુઆવિન જનરલ હોસ્પિટલના મુખ્ય સંચાલક સાદિક પટેલની રૂબરૂ મુલાકાત લીધી હતી.
જેમાં હોસ્પિટલના સંચાલક સાદીક પટેલે જણાવ્યું હતું કે, અમે તાંદલજા વિસ્તારમાં નાત-જાત વગર ગરીબ અને મધ્યમ વર્ગ માટે મુઆવિન જનરલ હોસ્પિટલ રાહત દરે ચલાવીએ છીએ. ગત તા.રરમી માર્ચના રોજ સરકારે લોકડાઉન કરતાં હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘણી ઘટી ગઈ હતી. તે દરમ્યાન ગત તા.ર૯મી માર્ચના રોજ નાગરવાડા વિસ્તારમાં રહેતાં હોમિયોપેથીક ડો.સાદને બપોર બાદ સેવા આપવા રાખ્યા હતા. તેમણે હોસ્પિટલમાં એક અઠવાડિયુ સેવા આપી હતી.
તે દરમ્યાન ગત તા.પમી એપ્રિલે તેમના કાકાનો પુત્ર સફવાન શેખ બિમાર પડતાં ડો.સાદ શેખ પોતાના ઘર પાસેની હોસ્પિટલમાં સારવાર અર્થે સફવાનને લઈને ગયા હતા અને તે દિવસે જ આરોગ્ય વિભાગે મચ્છીપીઠ તથા નાગરવાડા વિસ્તારને ક્વોરન્ટાઈન કર્યું હોવાથી પોતે હોસ્પિટલમાં સેવા આપવા આવશે નહીં. તેમ ફોનથી ડો.સાદ શેખે સાદિક પટેલને જણાવ્યું હતું. બાદમાં બીજા દિવસે ડો.સાદનો પણ કોરોનાનો માયનોર પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આરોગ્ય વિભાગ ડો.સાદ શેખને તેના ઘરેથી આઈસોલેશન માટે લઈ ગઈ હતી.
ડો.સાદ પોતાના ભાઈના સંપર્કમાં આવ્યા હોવાથી કોરોનાના ચેપી બન્યા હોવા છતાં મુસ્લિમ અને રાહત દરે સેવા પુરી પાડતી મુઆવિન હોસ્પિટલ તેમજ તાંદલજા વિસ્તારને બદનામ કરવાની કોશિષ કરવામાં આવી હતી.
સાદિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગે ડો.સાદ શેખે અઠવાડિયામાં જે ર૯ દર્દીઓને તપાસ્યા હતા. તેના નામ-સરનામાં માંગતા અમે કેસ પેપર સાથે નામ સરનામાં આરોગ્ય વિભાગને આપ્યા છે. ગત તા.૬મી અપ્રિલના રોજ બપોરે આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓએ હોસ્પિટલ લીક્વિડથી સેનિટાઈઝેશન કરી બંધ રાખવાનું કહેતા અમે હોસ્પિટલ બંધ કરી છે. આમ સાચી હકીકત એ છે કે, ડો.સાદ શેખને મુઆવિન હોસ્પિટલમાંથી ચેપ લાગ્યો નથી કે, તેમને આરોગ્ય વિભાગ હોસ્પિટલમાંથી આઈસોલેશન માટે લઈ નથી ગયા તેમના નાગરવાડાના નિવાસ સ્થાનેથી આઈસોલેશન માટે લઈ ગયા હતા.