(એજન્સી) નવી દિલ્હી, તા.૮
કોરોના વાયરસ દર્દીઓના ઉપચાર માટે ઉપયોગી એક એન્ટી મેલેરીયલ ડ્રગ, હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનની માંગ વિશ્વભરમાં થઇ રહી છે. જો કે ભારતે પહેલેથી જ પોતાના દેશની જરૂરિયાતને ધ્યાનમાં રાખી નિકાસ ઉપર પ્રતિબંધો મુક્યા હતા. આ તીવ્ર માંગની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ‘બદલો’ લેવાની ધમકી આપ્યા બાદ બ્રાઝિલે હવે નવી દિલ્હીને નિકાસ કરવા વિનંતી સાથે રામાયણના પ્રસંગને ટાંકી રહ્યા છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રમાં લખ્યું છે કે જે રીતે “ભગવાન રામના ભાઈ લક્ષ્મણના જીવને બચાવવા માટે ભગવાન હનુમાન હિમાલયથી પવિત્ર જડીબુટ્ટી એવી સંજીવની લાવ્યા હતા, અને ઈસુએ માંદા લોકોને સાજા કર્યા હતા અને બારટીમયુંની દૃષ્ટિ પુનઃસ્થાપિત કરી હતી. ભારત અને બ્રાઝિલ સાથે મળી ભગવાનના આશીર્વાદથી આ વૈશ્વિક સંકટને દૂર કરશે. કૃપા કરીને તમારા મહાનુભાવ, મારા સર્વોચ્ચ સન્માન અને વિચારણાની ખાતરીઓ સ્વીકારો.” ગયા વર્ષના અંતમાં ચીનમાં કોરોના વાયરસ બહાર આવ્યા પછી વૈશ્વિક સપ્લાય ચેન પર ફટકો પડતાં ભારત સરકારે હાઇડ્રોક્સિક્લોરોક્વિન તેમજ પેઇન રિલીવર, પેરાસીટામોલ પરની નિકાસ પર રોક લગાવી હતી. પરંતુ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે ભારત નિકાસ ઉપર મુકેલ પ્રતિબંધો દૂર કરે. સોમવારે એમણે કહ્યું હતું કે, જો તે નિકાસ પરના પ્રતિબંધ પાછા નહીં ખેંચશે તો અમે ભારત સામે બદલો લઈશું. નેપાળ સહિત ભારતના પડોશીઓએ પણ મલેરિયા વિરોધી દવા મંગાવે છે. પછીથી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, “નિર્ણય લેવામાં આવ્યો છે કે ભારત આપણી ક્ષમતાઓ પર આધારીત અમારા બધા પાડોશી દેશોને યોગ્ય માત્રામાં પેરાસીટામોલ અને એચસીક્યુ મોકલશે. તેમણે કહ્યું કે જેઓ રોગચાળાથી ખાસ કરીને ખરાબ રીતે પ્રભાવિત થયા છે અમે એ દેશોમાં આ આવશ્યક દવાઓનો સપ્લાય પણ કરીશું.