અમદાવાદ, તા. ૧૧
પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના સાગરખેડૂ-માછીમાર પરિવારોને આર્થિક આધાર રૂપ મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિથી આવક મળી રહે તે માટે રાજ્ય સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો છે. કોરોના વાયરસ – કોવિડ-૧૯ ની સ્થિતિને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે રાજ્યના માછીમારો-સાગરખેડૂઓને દરિયામાં જવા પર-દરિયો ખેડવા પરનો અગાઉ લાદેલો પ્રતિબંધ હવે રાજ્ય સરકારે દૂર કર્યો છે. આ નિર્ણયને પરિણામે રાજ્યમાં મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લાખો સાગરખેડૂ-માછીમાર પરિવારોને પોતાના પારંપારિક વ્યવસાય દ્વારા પૂનઃ રોજગારી-આવક મળતી થશે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, રાજ્યના સાગરખેડૂ-માછીમાર ભાઇઓ હવે પોતાના વ્યવસાય માટે દરિયામાં જઇ શકશે. આ હેતુસર તેમને ટોકન ઇસ્યુ કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. આવા સાગરખેડૂ ભાઇઓને માછલી-ઝિંગા પકડવા તેમજ માછીમારીના વ્યવસાયને આનુષાંગિક એવા પ્રોસેસિંગ, પેકેજિંગ, કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટેશનની બાબતો માટેનો પ્રતિબંધ રાજ્ય સરકારે હટાવી લીધો છે તેમ પણ અશ્વિનીકુમારે જણાવ્યું હતું. આ પ્રતિબંધ હટી જવાથી સાગરખેડૂ પરિવારો પુનઃ પોતાના વ્યવસાય થકી આર્થિક આધાર મેળવતા થશે અને મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિ ફરી ધમધમતી થશે. મુખ્યમંત્રીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં રાજ્યની ૪ લાખ ૪૩ હજાર જેટલી માતા-બહેનોને આર્થિક સહાય માટેનો પણ એક સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. સ્થિતીમાં એપ્રિલ-મે-ર૦ર૦ એમ બે મહિના માટે પ્રતિમાસ રૂા.પ૦૦ પ્રમાણે ૧૦૦૦ની એકસગ્રેશિયા વધારાની સહાયની જાહેરાત કરી છે. રાજ્યમાં બીપીએલ-ગરીબી રેખા નીચે નિર્વાહ કરતી આવી ૯૭૪૭૪ ગંગા સ્વરૂપા માતા-બહેનોને આ વધારાની સહાયનો લાભ ભારત સરકાર તરફથી મળવાનો છે. રાજ્ય સરકારને આના પરિણામે વધારાના ૩૪.૬૪ કરોડનો બોજ વહન કરવાનો વારો આવશે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યની ૪ લાખ ૪૩ હજાર ૮૯૧ ગંગા-સ્વરૂપા માતા-બહેનોને હાલની સ્થિતિમાં કેન્દ્ર સરકારના કુલ ૯ કરોડ ૭૪ લાખ અને રાજ્ય સરકારના ૩૪.૬૪ કરોડ મળીને સમગ્રતયા રૂ. ૪૪ કરોડ ૩૯ લાખની સહાય તેમના જીવનનિર્વાહની સરળતા માટે મળશે. રાજ્યમાં હાલની લોકડાઉનની સ્થિતિમાં સૌ નાગરિકો-જરૂરતમંદોને અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો નિયમિત અને સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે.