ભાવનગર,તા.૧૩
કોરોના વાયરસનાં પગલે પ્રવર્તનમાન સ્થિતિને પહોંચી વળવા ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા ૭ર જેટલા આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે. આ કોચ સુચના મુજબ ઉપયોગમાં લેવામાં આવશે.
ભાવનગર રેલવે મંડલના વરિષ્ઠ મંડલ મિકેનિકલ એન્જીનીયરના નેતૃત્વ તળે યાંત્રિક વિભાગના કર્મચારીઓ, સુપરવાઈઝરો અને અધિકારીઓ દ્વારા લોકડાઉન દરમિયાન ભારે જહેમત ઉઠાવી ભાવનગર માટે ૧૩ કોચ, વેરાવલ માટે ૧૧ કોચ અને પોરબંદર માટે ૬ કોચને કોચીંગ ડેપોમાં ૩૦ કોચોને આઈસોલેશન વોર્ડમાં બદલવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે. વધુ ૪૨ કોચને આઈસોલેશન વોર્ડમાં બદલવાનું કાર્ય ભાવનગર વર્કશોપમાં મુખ્ય કારખાના પ્રબંધકના નેતૃત્વ નીચે પૂર્ણ કરવામાં આવેલ છે.
આ તમામ કોચ આઈસોલેશન વોર્ડના રૂપમાં ગત ૭ એપ્રિલના તૈયાર થઈ ચૂકયા છે. કવોરન્ટાઈન આઈસોલેશન વોર્ડવાલા એક કોચમાં ૯ કેબીન બનાવવામાં આવેલ છે. એક કેબીન મેડિકલ સ્ટાફ માટે તથા આઠ કેબીનમાં કવોરન્ટાઈન, આઈસોલેશન માટે તમામ જરૂરી મૂળભૂત સુવિધાઓ ઉપસ્થિત કરવામાં આવેલ છે. દરેક કોચમાં ઓકસીજન સીલીન્ડર લગાવવા માટે બ્રેકેટ, સ્લાઈન ચઢાવવા માટે રૂમના કિનો બ્રેકેટ, ત્રણ ટોયલેટ, એક બાથરૂમ, દરેક કેબીનમાં મોબાઈલ ચાર્જિંગની વ્યવસ્થા, ત્રણ ડસ્ટબીન લગાવવામાં આવેલ છે. જ્યારે ભાવનગરમાંથી વધુ એક પોઝિટિવ દર્દી સાજા થતા રજા અપાઈ હતી.