કોંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીએ પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આ મહામારી વિરૂદ્ધ લડવા માટે લોકડાઉન વધારવું અનિવાર્ય છે પરંતુ મહામારીને પહોંચી વળવા માટે લોકડાઉન ઉપરાંત અન્ય કયા પગલાં લેવાયા છે તેની જાણકારી પીએમ મોદીએ આપી જ નથી. તેમણે કહ્યું કે, જ્યારે વડાપ્રધાન દેશને સંબોધિત કરે છે ત્યારે અપેક્ષા રહે છે કે, દેશને એ પણ જણાવવું જોઇએ કે, સરકાર દેશવાસીઓ માટે શું કરી રહી છે પરંતુ આ મુદ્દે મોદીએ મૌન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ૨૧ દિવસના લોકડાઉનની સૌથી ભયાનક તસવીર એવા લાખો લોકોની હતી જે પોતાના ઘરે જવા માટે ચાલતા જ નીકળી પડ્યા હતા.આમાં મોટી સંખ્યામાં આ લોકોને રાજ્યોની સરહદો પર રોકી લેવાયા હતા અને લોકોને ક્વોરન્ટાઇન કરાયા હતા તથા કેમ્પોમાં રખાયા. આમાં જે લોકોના ૧૪ દિવસ પૂરા થયા તેમને ઘરે મોકલવા માટે શું વ્યવસ્થા કરાઇ? તેમણે કહ્યું કે, આ માટે એક વ્યૂહરચનાની જાહેરાત કરવી જોઇએ.