(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
વડોદરામાં સૌથી વધુ કેસ જ્યાં નોંધાયા છે તે કોરોના હોટસ્પોટ નાગરવાડા-સૈયદપુરામાં હવેથી મુસ્લિમ ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ ડોર ટુ ડોર સર્વે કરીને કોરોનાના કેસ શોધવામાં મદદ કરશે તેમ આજે મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશન અને તંત્ર વચ્ચે મળેલી બેઠકમાં નક્કી થયું હતું.નાગરવાડા અને સૈયદપુરા લઘુમતી વિસ્તાર છે અને અત્યાર સુધીમાં આ વિસ્તારમાંથી ૧૦૬ પોઝિટિવ કેસ નોંધાયા છે અને કેસ સતત વધી રહ્યા છે. આ સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરીને કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓ શોધવા તથા તેમના પરિવારજનોને કોરોના સંબંધિત માહિતી આપીને સારવાર માટે તૈયાર કરવાની કામગીરી જો મુસ્લિમ ડોક્ટર્સ દ્વારા કરાય તો વધુ સરળ રહે એવું તંત્રને લાગતા આજે બરોડા મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશન સાથે બેઠક કરવામાં આવી હતી.મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશન સાથે ૧પ૦ ડોક્ટર સંકળાયેલા છે આ ઉપરાંત પેરામેડિકલ સ્ટાફ પણ છે. આ તમામ લોકો કાલથી નાગરવાડા અને સૈયદપુરા વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરીમાં લાગી જશે.