(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૧
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એઆઈસીસીની માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ બદરૂદ્દીન શેખની તબિયત અંગે સોશિયલ મીડિયામાં જાતજાતની અફવાઓ ઉડતા તેમના પરિવારજનો આ આપત્તિના સમયમાં વધારે ચિંતામાં ડૂબી ગયા છે. તેમણે લોકોને હાથ જોડીને અપીલ કરી છે કે બદરૂદ્દીન શેખની તબિયત અત્યારે સ્થિર છે. તેમના સ્વાસ્થ્ય માટે દુવા કરવા વિનંતી છે. બદરૂદ્દીન શેખ અને તેમના પત્ની હાલ કોવિડ-૧૯ની સારવાર લઈ રહ્યા છે જ્યારે તેમના પુત્રી અને જમાઈ ક્વોરન્ટાઈનમાં છે. બદરૂદ્દીન શેખની હાલત હાલ સ્થિર છે અને તેઓ કોવિડ-૧૯ ઉપરાંત ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને હાર્ટની સમસ્યાથી પણ પીડાતા હોવાથી વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી છે. તેમની તબિયત અંગે કંઈપણ અપડેટ હોય તે તેમના પરિવારના પુત્રી અને જમાઈને સૌ પહેલા ખબર પડે તેઓ સતત એસવીપીના ડોક્ટરોના સંપર્કમાં છે. આઘાતજનક બાબત એ છે કે, જે વાત તેમના પરિવારજનોને ખબર નથી તે સોશિયલ મીડિયામાં નવરા બેઠેલા લોકોને પહેલા ખબર પડી જાય છે અને બદરૂદ્દીન શેખની તબિયત અંગે દાવા સાથે અવનવી પોસ્ટ મુકી અફવાઓ ફેલાવતા રહે છે. આથી તેમના જમાઈ સમીર શેખએ લોકોને અપીલ કરી છે કે, બદરૂદ્દીન શેખની પરિસ્થિતિને લઈને જે સમાચાર હશે તેની જાણ સૌથી પહેલા મને થશે. હાલ તેઓની તબિયત સ્થિર છે. આ વિકટ પરિસ્થિતિમાં લોકોના સહકારની અને દુવાની અપેક્ષા છે.