(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૩
કોંગ્રેસના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર રિપબ્લિક ચેનલના પત્રકાર અર્નબ ગૌસ્વામી સામે દેશભરના કોંગ્રેસીજનો તથા શાંતિપ્રિય નાગરિકોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે ત્યારે ગુજરાતમાં પણ આ બિકાઉ પત્રકાર સામે કોંગ્રેસના પ્રમુખ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા સહિત ૩૩ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો મળી અર્નબ ગૌસ્વામી સામે ૩પ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પત્રકારત્વના તમામ નીતિ-નિયમો-સિદ્ધાંતોને નેવે મૂકીને ચાપલુસી-બ્રીફ આધારિત પત્રકારિતા કરનાર રીપબ્લિક ચેનલના મુખ્ય અર્નબ ગોસ્વામીની દેશમાં કોમ-કોમ વચ્ચે સંઘર્ષ ઉભો કરવાની સાજીશ અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી સામેના નિમ્ન ભાષાપ્રયોગ સામે સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી દીપક બાબરીયાએ રીપબ્લિક ચેનલના અર્નબ ગોસ્વામીના ચોક્કસ બ્રીફ આધારિત નિમ્ન કક્ષાના કાવતરા પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, લોકતંત્રના ચોથા સ્થંભ તરીકે ફરજ બજાવવાને બદલે ચોક્કસ લોકોની ચારપાઈ તરીકે અર્નબ ગોસ્વામી જેવાની કામગીરી લોકતંત્ર માટે ઘાતક પુરવાર થશે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ ૫૦ વર્ષ કરતાં વધુ સમયથી ભારતીય તરીકે ગૌરવવંતુ જીવન સેવા પાછળ સમર્પિત કર્યું છે. ઈન્દિરા ગાંધીનું બલિદાન, રાજીવ ગાંધીની શહીદી બાદ સમગ્ર દેશમાં તમામ જાતિ, ધર્મ, કોમ, ભાષાના સાંસદો, આગેવાનોની લાગણી પછી કોંગ્રેસ પક્ષ દ્વારા સક્રિય રાજનીતિમાં પ્રવેશ કર્યો. કોંગ્રેસ પક્ષના તમામ ચૂંટાયેલા સાંસદો અને સહયોગી પક્ષના સાંસદોનો આગ્રહ છતાં વર્ષ ૨૦૦૪માં વડાપ્રધાનપદ ન સ્વીકારીને ત્યાગમૂર્તિ તરીકે ઉત્તમ ઉદાહરણ આપ્યું. કોંગ્રેસ પક્ષને સક્રિય નેતૃત્વ દ્વારા શ્રીમતી સોનિયા ગાંધીએ દેશના સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન આવે તે માટે સતત સક્રિય ભુમિકા ભજવી અને કોંગ્રેસ પક્ષના સિદ્ધાંતો સેવા-સમર્પણ દ્વારા ઉચ્ચ મુલ્યોને પ્રસ્થાપિત કર્યા છે. ત્યારે રીપબ્લિક ચેનલના અર્નબ ગોસ્વામી ચોક્કસ લોકોનો હાથો બનીને બ્રીફ આધારિત પત્રકારિતામાં તેના તમામ નિમ્ન પ્રયાસો અને નિમ્ન ભાષાનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહિ. આમ, અર્નબ ગૌસ્વામીને પાઠ ભણાવવા દેશભરના કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. આથી તેની શાન ઠેકાણે લાવવા પોલીસ ફરિયાદ કરવાનું આહ્વાન કરાયું હતું તે અંતર્ગત આજે ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત તમામ ૩૩ જિલ્લાના આગેવાનોએ તેમના જિલ્લામાં જઈ અર્નબ સામે એફઆઈઆર નોંધી જિલ્લા પોલીસ વડાની કચેરીએ જઈ અર્નબ સામે સખ્તમાં સખ્ત પગલાં લઈ ધરપકડ કરવા રજૂઆત કરી હતી.
0.5