અમરેલી, તા.ર૫
રાજ્યની તમામ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીઓને વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
આ રજૂઆતમાં જણાવાયા મુજબ, અમદાવાદ શહેર કોરોના વાયરસનું હોટસ્પોટ બની ગયેલ છે.
અન્ય રાજ્યો અને વિશ્વમાં ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરવામાં આવે છે જ્યારે ગુજરાત રાજ્ય અને અમદાવાદ ખાનગી હોસ્પિટલ, મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓને દાખલ કરી તેઓની સારવાર કરવામાં આવતી નથી. સરકાર દ્વારા વિવિધ જગ્યાએ લાખો-કરોડો રૂપિયાના ખર્ચે યુદ્ધના ધોરણે કોરોના માટે હોસ્પિટલો ઊભી કરવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેરમાં આવેલ ઝાયડસ હોસ્પિટલ એચસીજી હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, સાલ હોસ્પિટલ, કડી હોસ્પિટલ, શેલ્બી હોસ્પિટલ, સીમ્સ હોસ્પિટલ, એસજીવીપી હોસ્પિટલ વગેરે ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો કે જ્યાં અદ્યતન સાધન-સામગ્રી અને સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં વૈશ્વિક મહામારી કોરોનાના સમયે તેમની સેવાનો લાભ સરકાર દ્વારા લેવામાં આવતો નથી. આવી હોસ્પિટલો કોરોના જેવા સંકટ સમયે દર્દીઓની સારવાર માટે આગળ આવતી નથી ત્યારે સરકારે લાલ આંખ કરી આ મહામારીના સમયે તેમની સેવાઓ લેવી જોઈએ. જો આવી હોસ્પિટલો અને તબીબો દ્વારા સેવા કરવામાં આનાકાની કરવામાં આવે તો તેમની સામે કાનૂની રાહે કાયદેસરની કાર્યવાહી પણ કરવી જોઈએ. રાજ્યની તમામ ખાનગી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલો રાજ્ય સરકારે રિક્વિઝિટ કરી સરકાર હસ્તક લઈ કોરોના વાયરસના દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળે તેવી કાર્યવાહી કરવા માંગ કરી છે.
1