Site icon Gujarat Today

રાજ્યના તમામ જિલ્લાઓમાં આજથી નિયમો, શરતોને આધીન દુકાનો ખોલવા છૂટછાટ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૫
કોરોનાના હાહાકાર અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે નાના-મોટા દુકાનદારો અને ધંધા વ્યવસાયકારો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. શોપિંગ મોલ, માર્કેટિંગ કોમ્પલેક્ષ, શોપિંગ માર્કેટ સિવાયની કેટલીક દુકાનો કે જે હોટસ્પોટ વિસ્તારોની બહાર હશે તેઓને અમૂક શરતોને આધીન આવતીકાલે તા.ર૬ એપ્રિલથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જે દુકાનો-ધંધા વ્યવસાયને શરૂ કરવા છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. એટલું જ નહીં, દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના પ૦ ટકા સ્ટાફ રાખવાનો રહેશે તેમજ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ નિર્ણયની વધુ વિગતો આપતા જણાવ્યું કે, રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે, રાજ્યમાં હેર કટીંગ સલૂન, બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સિગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં. શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી અન્ય દુકાનો અને ધંધા વ્યવસાયો ચાલુ કરી શકાશે. રાજ્યમાં જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે તેવું પણ ઠરાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના સચિવે સ્પષ્ટપણે જણાવ્યું કે, દુકાન ધારકો-વ્યવસાયકારોએ પોતાના ધંધા વ્યવસાય શરૂ કરવા માટે કોઇ વધારાનું પ્રમાણપત્ર લેવા જવાનું રહેશે નહીં. ગુમાસ્તા ધારા હેઠળ મેળવેલું લાયસન્સ તેમજ ઓળખના પૂરાવાને માન્ય ગણવામાં આવશે અને તેના આધારે વ્યવસાય-દુકાન શરૂ કરી શકાશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે, I.T‌ તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્યની બજાર સમિતિઓ માટે પણ એક અગત્યનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય સંદર્ભમાં મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ કે, લોકડાઉનની સ્થિતીમાં જે બજાર સમિતિઓની વ્યવસ્થાપન કમિટીની મુદ્દત પૂર્ણ થઇ ગઇ છે તેવી તથા જે બજાર સમિતિઓની મુદત પૂર્ણ થનારી છે તેવી બજાર સમિતિઓની મુદત તા.૩૧ જુલાઇ સુધી લંબાવી દેવામાં આવી છે. અશ્વિનીકુમારે એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં જે બજાર સમિતિઓની વ્યવસ્થાપન સમિતીની ચૂંટણી કોર્ટના આદેશને આધિન યોજવાની થતી હોય તો તે કરી શકાશે. અન્યથા સામાન્ય સંજોગોમાં અન્ય મંડળીઓ-સમિતિઓની વ્યવસ્થાપન સમિતીની મુદત તા.૩૧ જુલાઇ-ર૦ર૦ સુધી વધારી દેવામાં આવી છે.

Exit mobile version