(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૩૦
ઉનામાં લોકડાઉનનું પાલન કરવા આવશ્યક ચિજવસ્તુઓ સીવાયની દુકાનો ખોલવી નહીં તેવી રજુઆત વેપારીઓ દ્રારા પ્રાંત અધિકારી સમક્ષ બેઠકમાં કરવામાં આવી હતી. સરકારની સત્તાવાર જાહેરાત બાદ ઉનામાં વેપારીઓ દ્વારા દુકાનો ખોલવામાં આવેલ હતી. ત્યાર બાદ ઉના પોલીસ આ દુકાનો બંધ કરાવી ૧૫ થી ૧૭ વેપારીઓને પોલીસ સ્ટેશન લઇ ગયેલ હતી. અમુક સમય માટે પોલીસ સ્ટેશનમાં રાખ્યા બાદ આ વેપારીઓ પાસે રૂ. ૧૫૦૦ લઇ તેઓને પરત મોકલી આપેલ તેવી ગંભીર રજુઆત ઉના પી એસ આઇ સમક્ષ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનીધી તેમજ ઉના શહેર ભાજપ પ્રમુખ મિતેશ શાહ દ્વારા કરવામાં આવતા મીટીંગમાં ઉપસ્થિત તમામ વેપારી અને આગેવાનો અચંબામાં પડી ગયા હતા.
આ અંગેની જાણ ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશને થતાં તેમણે આ બાબતે જીલ્લા એસ પી તેમજ ઊના પ્રાંત અધિકારીને લેખિત રજુઆતમાં જણાવેલ કે ઉના શહેર ભાજપ મિતેશ શાહ દ્વારા બેઠકમાં જ્યારે આ પ્રકારની રજુઆત કરવામાં આવી હોય તે ખોટી હોય તેમ માનવાને કારણ રહેતુ નથી. આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવી છે ? તેમજ ઉના પી આઇ દ્વારા કોઇ તપાસ કરવામાં આવી છેકે કેમ ?, આ વેપારીઓનો શું દોષ હતો ? તેમણે ક્યા કાયદાનો ભંગ કર્યા હતો, સરકારે સત્તાવાર જાહેરાત કર્યા બાદજ વેપારીઓએ દુકાનો ખોલી હતી. ત્યારે આ વેપારીઓ ગુનેગાર કેવી રીતે હોય શકે ? આમ ન પોલીસ દ્વારા આવી કોઇપણ પ્રકારની કાર્યવાહી કરેલ ન હોય અને કોરોના મહામારી સમયે વહીવટી તંત્ર દ્વારા પ્રજાને કોઇપણ જાતની બિનજરૂરી હેરાનગતી કે પરેશાનીઓ ન થાય તે અંગે ધારાસભ્ય પુંજાભાઇ વંશએ ઉના પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી છે.