(એજન્સી) મુંબઇ, તા. ૩૦
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું કેન્સર સામે બે વર્ષ સુધી લડાઇ લડ્યા બાદ ગુરૂવારે સર એનએચ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. ઋષિ કપૂરના મુંબઇના ચંદનવાડી સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ઋષિ કપૂરની પુત્રી રિદ્ધીમા કપૂર સહનીને મુંબઇ આવવાની ખાસ ટ્રાવેલ પરવનાગી આપવામાં આવી છે. ઋષિકપૂરના પાર્થિવ દેહને હોસ્પિટલેથી સ્મશાનગૃહ લઇ જવામાં આવ્યો હતો. ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર વખતે સ્મશાનગૃહમાં ઋષિ કપૂરનો પુત્ર રણબીર કપૂર, તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ, ભત્રીજી કરીના કપૂર ખાન તેના પતિ સૈફ અલીખાન સાથે, ભાણિયા અર્માન જૈન, અભિષેક બચ્ચન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી ઉપસ્થિત રહ્યા હતા. ઋષિ કપૂરના પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં લોકડાઉનનું પાલન કરવાની બધાને અરજ કરવામાં આવી હતી. નિવેદનમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે અંગત નુકસાનની આ પળમાં સમગ્ર વિશ્વ અત્યંત કપરા અને મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે આપણે બધાએ લોકડાઉનનું પાલન કરવું જોઇએ.