(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧
કોરોના વાયરસ જીવલેણ નીવડી શકે તેવા અનેક કિસ્સા છે પરંતુ સુરતના સલાબતપુરાના ૮પ વર્ષીય વૃદ્ધાએ વધુ ઉંમરના લોકો માટે કોરોના ઘાતક છે તે માન્યતા ખોટી પાડી છે.
સલાબતપુરા ધામલા વાડની જીવનની ચાલમાં રહેતા ગૌરીબેન શાંતિલાલ રાણાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૧૩ એપ્રિલના રોજ તેમને કોરોના માટેની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ઉંમર વધુ હોવાને કારણે તેઓ ક્યારેય સારા થશે તે અંગે ચિંતા તેમના પરિવારજનોને સતાવતી હતી. જો કે, મક્કમ મનોબળવાળા ગૌરીબેન કોરોનાને માત આપી છે. સિવિલ હોસ્પિટલ માટેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા તેમના ઘરે મૂકવામાં આવ્યા હતા. કોરોનાને હરાવીને ઘરે હેમખમ પાછા ફરનારા ગૌરીબેનને મહોલ્લા વાસીઓએ ફટાકડા ફોડીને આવકાર્યા હતા. થાળી, ચમચી, શંખ અને નગારા વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૌરીબેન તેમની સારવાર કરનાર તમામ ડોક્ટર, નર્સ મેડિકલ ટીમ અને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓનું આભાર માન્યો હતો.