Site icon Gujarat Today

અમને દિવસમાં એક વખત એમની સાથે વાત કરવાની પરવાનગી આપો : ધરપકડ કરાયેલ ગર્ભવતી જામિયા વિદ્યાર્થિનીની બહેન

(એજન્સી) નવી દિલ્હી, તા.૮
૧૦મી એપ્રિલે દિલ્હી પોલીસે જામિયા મિલ્લિયા ઇસ્લામિયાની એમ. ફિલ.માં અભ્યાસ કરતી ૨૭ વર્ષીય વિદ્યાર્થિની સફૂરા ઝરગરની ધરપકડ કરી હતી. પોલીસે એમની ઉપર આક્ષેપો મૂક્યા હતા કે, એમણે ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં એક ટોળાની આગેવાની લીધી હતી અને ઉશ્કેરણી કરી હતી, જેના લીધે રમખાણો ફાટી નીકળ્યા હતા. ત્રણ મહિનાનું ગર્ભ ધરાવતી ઝરગરની ધરપકડથી રોષ ફાટી નીકળ્યો હતો.
અન્ય વિદ્યાર્થીઓની સાથે ઝરગરે પણ ડિસેમ્બર ૨૦૧૯માં સીએએ વિરૂદ્ધ થયેલ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. હાલમાં સફૂરા જેલમાં છે, એમની બહેન સમિયા ઝરગર સાથે એક પત્રકારે વાતચીત કરી હતી. સમિયા ઝરગરે જણાવ્યું કે, અમને ભારતના ન્યાય તંત્રમાં વિશ્વાસ છે.
એમને જણાવ્યું કે, જ્યારથી એ જેલમાં ગઈ છે, ત્યારથી એમણે પોતાના પતિ સાથે અને વકીલ સાથે જ વાત ચીત કરી છે. એ પછી અમોએ વાત ચીત કરી નથી. સફૂરાની ધરપકડ યુએપીએ હેઠળ કરાઈ છે, એ વિશે પૂછતા સમિયાએ કહ્યું કે, સફૂરાએ કોઈપણ ગેર કાયદેસર કાર્ય કર્યું નથી. આ વાત ખૂબ દુઃખદ છે કે, યુનિવર્સિટીની વિદ્યાર્થિનીને જેલમાં બંધ કરાઈ છે અને એ પણ એવા સમયે જ્યારે એક તો એ ગર્ભવતી છે અને બીજું સમગ્ર દેશમાં ભયંકર કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે અને દેશ લોકડાઉન હેઠળ છે.
આવા સમયે એમની સાથે અમને મળવા દેવાની પરવાનગી આપવી જોઈએ. પણ કોરોનાના લીધે પ્રતિબંધોને ધ્યાનમાં રાખી અમને ઓછામાં ઓછું એમની સાથે દિવસમાં એક વખત ફોન ઉપર વાત કરવાની પરવાનગી આપવી જોઈએ. શું તમે આ અંગે અરજી કરી છે એ બાબત સમિયાએ કહ્યું, મને લાગે છે કે, અમારા વકીલે અરજી કરી હશે કે, અમને એમની સાથે મળવાની અથવા ફોન ઉપર વાત કરવાની પરવાનગી આપવામાં આવે.
સમિયાને પૂછાયું કે, રિપોર્ટ મળ્યા છે કે, જાફરાબાદમાં હિંસા થઇ એના એક દિવસ પહેલાં ત્યાં ટોળાંને સફૂરાએ ઉશ્કેર્યું હતું. સમિયાએ કહ્યું કે, આ વાત ખોટી છે. એમણે કોઈ પણ ટોળાની આગેવાની લઇ ઉશ્કેરણી કરી ન હતી.
સમિયાને પૂછાયું કે, સફૂરાને પ્રેગનેન્સી દરમિયાન કોઈ મેડિકલ સમસ્યા છે કે, કેમ ? એના જવાબમાં એમણે કહ્યું કે, થોડી સમસ્યા છે. જેના માટે એની સંભાળ લેવાની જરૂર છે, પણ એ સંભાળ જેલમાં તો થઇ શકશે નહીં. સફૂરાને આ સ્થિતિમાં માનસિક અને શારીરિક દેખભાળની જરૂર છે. લાંબાગાળાની જેલ એમની ઉપર અવળી અસર કરી શકે છે.

Exit mobile version