(એજન્સી) નવી દિલ્હી, તા.૮
કોવિડ-૧૯ના કારણે અમદાવાદમાં ર૯૮ લોકોના મોત થયા હતા જ્યારે ગુજરાતમાં મૃત્યુઆંક ૩૯૬ થયો હતો. સત્તાવાર ન્યૂઝ એજન્સીએ સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને ટાંકીને કહ્યું હતું કે, છેલ્લા ર૪ કલાકમાં ગુજરાતમાં કોવિડ-૧૯ના ૩૮૦ નવા કેસો નોંધાયા હતા અને ર૮ લોકોના મોત થયા હતા જ્યારે રપ મૃત્યુઓ તો ફકત અમદાવાદમાં નોંધાયા હતા. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતાં અમદાવાદના વહીવટી તંત્રે કડક નિયંત્રણો લાગુ કરતાં કરિયાણું, શાકભાજી અને ફળો વેચવા પર પ્રતિબંધ મૂકયો હતો. હવે ફકત દૂધ અને દવા વેચતી દુકાનો જ ખુલ્લી રહેશે. વિશ્વમાં મહામારી તેની ટોચ પર હતી ત્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપી તે સંદર્ભે ગુજરાતમાં બગડતી જતી પરિસ્થિતિ અર્થસૂચક છે. નિષ્ણાંતોની દલીલ છે કે ચીન અને યુરોપથી આવી રહેલા ભયંકર સમાચારોને ધ્યાનમાં રાખી ભારત સરકારે આ કાર્યક્રમ રદ કરી દેવો જોઈતો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પને આવકારવા માટે રસ્તાની બન્ને બાજુ હજારો લોકો એકત્ર થયા હતા અને ટ્રમ્પ તેમજ વડાપ્રધાન મોદીને સાંભળવા માટે અમદાવાદના સ્ટેડિયમમાં એક લાખથી વધુની ભીડ એકત્ર થઈ હતી. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ છેલ્લા ર૪ કલાકમાં કોવિડ-૧૯ના કારણે ૩૪ લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્ર ગુજરાતનો પાડોશી રાજ્ય છે અને ગુજરાતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં સેંકડો લોકો એકત્ર થયા હતા. આ કારણે ઘણા લોકો સરકાર પર નિશાન સાધી રહ્યા છે. ઘણા લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે સિંગલ સોર્સ નમસ્તે ટ્રમ્પ શું કયારેય પણ લોકોના નિરીક્ષણમાં આવશે.