Site icon Gujarat Today

સાબરકાંઠાથી પ્રવેશતા ૩૦૦ શ્રમિકોને પોલીસે અટકાવતાં હોબાળો

(સંવાદદાતા દ્વારા) હિંમતનગર/મોડાસા,
તા.૧૩
લોકડાઉનનો ત્રીજો તબક્કો તંત્ર માટે પડકાર રૂપ સાબિત હોય તેમ લાગી રહ્યું છે, તેમાંય ખાસ કરીને પરપ્રાંતિય શ્રમિકો વતન જવા માટે સાધનમાં અથવા તો પગપાળા પરિવાર સાથે નીકળી પડ્યા છે, ત્યારે અમદાવાદથી ખાનગી વાહનો અને ચાલતા આવતા આ શ્રમિકોને પોલીસે હિંમતનગર શામળાજી રોડ પર આવેલ રાજેન્દ્રનગર ચોકડી પાસે અટકાવતા હોબાળો મચી જવા પામ્યો હતો. જો કે, તંત્ર તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમજાવટ કરીને મામલે થાળે પાડ્યો હતો. આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાતમાંથી પરપ્રાંતિયો તેમના વતન જવા માટે રઘવાયા બન્યા છે, ત્યારે અમદાવાદથી કેટલાક શ્રમિકો ગમે તે રીતે હિંમતનગર શામળાજી રોડ પર આવેલ રાજેન્દ્રનગર ચોકડી પહોંચ્યા હતા દરમિયાન અન્ય કેટલાક શ્રમિકો વાહનોમાં અહીંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ફરજ પરના પોલીસ જવાનોેએ તેમને અટકાવ્યા હતા. જેના લીધે હોબાળો મચી જવા પામ્યો હતો, તો બીજી તરફ આ અંગે વહીવટી તંત્ર તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓને ખબર પડતા તેઓ રાજેન્દ્રનગર ચોકડી પહોંચી ગયા હતા અને શ્રમિકો સાથે સમજાવટ કરી સેલ્ટર હોમમાં લાવી દેવાયા હતા. દરમિયાન તંત્ર દ્વારા આ શ્રમિકોને તેમના વતન મોકલવા માટે ઉચ્ચ કક્ષાએથી માર્ગદર્શન મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.

Exit mobile version