(એજન્સી) જયપુર, તા.૧૩
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે મંગળવારે જણાવ્યું હતું કે, લાખો સ્થળાંતર કરનારા લોકોના પરત આવ્યા બાદ ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસનો ફેલાવો અટકાવવો એ આગામી મોટો પડકાર હશે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા જયપુર અને અજમેર વિભાગના ધારાસભ્યો અને સાંસદો સાથેની વાતચીત દરમિયાન ગેહલોતે જણાવ્યું હતું કે, લગભગ ૧૯ લાખ સ્થળાંતરકારોએ રાજ્યમાં પાછા ફરવા માટે નોંધણી કરાવી છે. તેમાંથી ૪થી ૫ લાખ લોકો રાજસ્થાનની બહાર અન્ય વિવિધ રાજ્યોમાં જવા માંગે છે.
ધારાસભ્યોને સ્થળાંતર કરનારા લોકોનું સ્વાગત કરવા તેમણે હાકલ કરી હતી અને કહ્યું હતું કે, ગામડાઓમાં વાયરસ ફેલાય નહીં તેની ખાતરી કરવા પરત ફર્યા બાદ તેઓને અલગ રાખવું પડશે.
તે આગળનું પડકાર હશે, એમ તેમણે ઉમેર્યું. જયપુરના સાંસદ રામચરણ બોહરાએ ઊભા કરેલા મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપતા ગેહલોતે જણાવ્યું હતું કે, લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે, રાજ્યની કોંગ્રેસ સરકાર જયપુર અને જોધપુરમાં મુસ્લિમ સમુદાયના સભ્યોને છૂટછાટ આપી રહી છે. જેના પગલે કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. બોહરાએ એક વ્યક્તિ દ્વારા રામગંજમાં ૬૦૦ જેટલા લોકોને ચેપ લાગ્યો હોવાનો દાવો કર્યો હતો અને તેની બેદરકારીને કારણે વાયરસ ફેલાયો હતો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ પક્ષના સ્થાનિક ધારાસભ્યો જૂના જયપુર શહેરમાં રાશન વિતરણમાં ભેદભાવ કરે છે. ગેહલોતે જણાવ્યું હતું કે, એક કોવિડ-૧૯ દર્દી ઘણાને ચેપ લગાવી શકે છે અને ક્વોરેન્ટાઇન પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન કરવું મહત્ત્વપૂર્ણ છે.
મુખ્યમંત્રીએ આગામી દિવસોમાં આર્થિક પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરવા ધારાસભ્યો પાસેથી સૂચનો માંગ્યા હતા.
આરોગ્ય મંત્રી રઘુ શર્મા, પરિવહનમંત્રી પ્રતાપ સિંહ, વિપક્ષી નેતા ગુલાબચંદ કટારિયા અને અન્ય ધારાસભ્યો અને સાંસદો સહિતના અનેક પ્રધાનો કોન્ફરન્સમાં હાજરી આપી રહ્યા હતા.