(સંવાદદાતા દ્વારા)
માંગરોળ, તા.૧૪
માંગરોળ નજીકના મકતુપુર ગામના કડિયા કામ કરતા દેવા કરશન સોલંકી નામના દલિત યુવાને ગત તા.૧૮/૦૫/૨૦૧૮ના રોજ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરતા મૃતક યુવાને લખેલી મરણ નોંધમાં પોતાની આત્મહત્યા પાછળ મકતુપુર ગામના સરપંચ નારણ વાજા, આજ ગામના અજય રામા કરમટા, ખારવા સુભાષ રતિલાલ ખેતલપાર, કાનજી રત્ના ભાદ્રેચા, ભીમા ધનજી સુખડિયા તથા પ્રેમજી શામજી મોતિવારસે ઉધળમા લાખો રૂપિયાની મજૂરીની રકમનું બાંધકામ કરાવી મજૂરીની રકમ ન ચૂકવતા અને ઉઘરાણી કરતા ધાક ધમકી આપતા હોવાના કારણે અને કામમાં સાથે રહેલા મજૂરોને મજૂરીની રકમ ચૂકવવા કરજ કરવું પડેલ હોવાથી આત્મહત્યા કરવા ફરજ પડી હોવાનું જણાવેલ હોય મૃતકની પત્ની જયાએ પોતાના પતિને આત્મહત્યા કરવા સંજોગો ઊભા કરનારાઓ સામે ફરિયાદ કરતા પોલીસે તહોમતદારો સામે આઈપીસી કલમ ૩૦૬, ૪૨૦, ૪૦૬, ૫૦૪ સહિત એસ્ટોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં વગદાર લોકોની સંડોવણી હોય બે વર્ષ સુધી કોઈ કાર્યવાહી થયેલ ન હતી. દરમિયાન માંગરોળમાં નવા ડીવાયએસપી પૂરોહિતની નિમણૂક થતાં તેમણે બે વર્ષથી પડતર કેશની ફાઈલ ઉપરથી ધૂળ ખંખેરી કાર્યવાહી હાથ ધરી ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.