(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧પ
વડોદરામાં કોરોના વાયરસના આજે વધુ ૧પ પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૬પ૩ પર પહોંચ્યો છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક ૩ર પર પહોંચ્યો છે. જ્યારે આજે વધુ ૮ દર્દી કોરોના મુક્ત થતાં કુલ ૩૭૧ દર્દી સાજા થયા છે. વડોદરા શહેરમાં હાલમાં રપ૦ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી ૧૪ની તબિયત ચિંતાજનક છે. ૯ને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે જ્યારે પને વેન્ટિલેટર પર રખાયા છે. ગુજરાતમાં માત્ર વડોદરામાં જ ઓડિટ કમિટીની તપાસ બાદ મોતના આંકડા જાહેર કરતું તંત્ર આ તમામ મોતને સત્તાવાર જાહેર કર્યા નથી. બીજી તરફ છેલ્લા ચાર દિવસમાં શહેરમાં ટપોટપ કોરોના વોર્ડમાં સારવાર દરમિયાન મોત થતાં ટેસ્ટિંગ ઘટાડીને સંક્રમિતોની સંખ્યા ઓછી કરવાનો ખેલ તો ચાલુ નથી કર્યોને તેવી ચર્ચા શહેરીજનો કરવા માંડ્યા છે. અગાઉ રપથી વધુ કેસ બતાવતો તંત્રે બુધવારે ૧૮ અને ગુરૂવારે ૧૩ લોકોમાં જ કોરોના સંક્રમણ ફેલાયું હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી અને આજે ૧પ દર્દીઓ જ નોંધાયા છે.