(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી શુક્રવારે પરપ્રાંતિય શ્રમિકો અને લેબર કાયદામાં કાપ મુકવાના મુદ્દાઓ અંગે અનેક વિપક્ષી નેતાઓની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ભાગ લેવા ૧૮ પક્ષોને આમંત્રણ અપાયું છે જેમાંથી ૧૫ પાર્ટીઓએ ભાગ લેવા પોતાની સંમતિ દર્શાવી છે. મમતા બેનરજીએ કહ્યું કે આ સારી બાબત છે અને હું ભાગ લઇશ. અમે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરીશું. દરમિયાન એનસીપીના અધ્યક્ષ શરદ પવાર પણ બેઠકમાં ભાગ લેશે. લોકડાઉન શરૂ થયું ત્યારબાદથી અત્યારસુધી હજારો મજૂરો ચાલતા જ હાઇવે પર નીકળી પડ્યા છે અને હજારો કિલોમીટર દૂર પોતાના વતનની વાટ પકડી રહ્યા છે. આ દરમિયાન સેંકડો મજૂરોના મોત માર્ગમાં જ થઇ ગયા છે. ગયા અઠવાડિયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દિલ્હીમાં નીકળી પડ્યા હતા અને શ્રમિકોને મળવા પહોંચી ગયા હતા ત્યારબાદ તેમણે તેમને ભોજન અને પાણી આપી ઘરે મોકલવાની બાંહેધરી આપી હતી. જોકે, નાણામંત્રી નિર્મલા સીતારણે રાહુલ ગાંધીની મુલાકાતને ડ્રામેબાજી ગણાવી હતી.
આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ડીએમકેના પ્રમુખ એમકે સ્ટાલિન સહિત અનેક મોટા નેતાઓ સામેલ થઇ શકે છે. કોરોના વિરૂદ્ધના જંગમાં રાજ્ય સરકારો સતત કેન્દ્ર પાસેથી સહયોગ નહીં મળવાની ફરિયાદો કરી રહી છે. આ જ રીતે મમતા બેનરજી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોરોના સંકટ દરમિયાન પણ રાજનીતિ કરવા અને બિન-ભાજપ શાસિત રાજ્યો સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવી ચૂક્યા છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કોરોના અંગે કેન્દ્ર દ્વારા ઘોષિત કરાયેલા આર્થિક પેકેજને મૂળ સંઘીય માન્યતાનું ઉલ્લંઘન ગણાવતા કહ્યું છે કે, કેન્દ્ર સરકાર આ પેકેજ દ્વારા અમારા ગળા પર ચાકુ ફેરવી રહી છે અને મનમાની કરીને કામ કરાવવા માગે છે. ઝોન નક્કી કરવાના અધિકાર અંગે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ અને પુડુચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્યો સાથે વાતચીત કર્યા વિના ઝોન નક્કી કરી રહી છે. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં બેઠેલા લોકો મુખ્યમંત્રીઓની સલાહ સુદ્ધાં લેતા નથી. ત્યારબાદ કેન્દ્રએ લોકડાઉન-૪માં રાજ્યોને ઝોન નક્કી કરવાનો અધિકાર આપવો પડ્યો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કેન્દ્ર પાસેથી ઘણીવાર પ્રોત્સાહિત પેકેજની માગણી કરી ચૂક્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રાજ્યો અત્યંત ખરાબ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમને તરત મદદ આપવાની જરૂર છે.