(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૦
જામિયા મિલ્લિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની જામિયા કોઓર્ડિનેશન કમિટી (જેસીસી)એ એક સત્તાવાર નોંધમાં ખુલાસો કર્યો છે કે, એક અન્ય વિદ્યાર્થી કાર્યકર, આસિફ ઈકબાલ તન્હાની ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ વિદ્યાર્થીઓ ઉપર કરાયેલ પોલીસ બર્બરતાના મામલે ધરપકડ કરવામાં આવી હતી. જેસીસીએ જણાવ્યું હતું કે, “દિલ્હી પોલીસ બેશરમીથી જામિયાના વિદ્યાર્થી નેતાઓની ધરપકડો કરે છે.”
નોંધનીય છે કે, દિલ્હીમાં હિંસાને ભડકાવવાના ખોટા આરોપ હેઠળ ત્રણ વિદ્યાર્થી નેતાઓ મીરાન હૈદર, સફૂરા ઝરગર અને શિફા-ઉર-રહેમાન પહેલેથી જ જેલમાં છે. તેમાંથી એક, સફૂરા, જે ત્રણ મહિનાની ગર્ભવતી છે, તે હિન્દુત્વના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા પર અપમાન અને ટિપ્પણીનો શિકાર બની છે. આસિફની શનિવારે આઠ વાગ્યે દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા તેમના દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી.
આસિફ એક પ્રખ્યાત ચહેરો છે અને સમગ્ર ભારતમાં સીએએ વિરોધી વિરોધ પ્રદર્શનોમાં અગ્રગણ્ય ભૂમિકા ભજવે છે. શરૂઆતમાં તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવામાં આવ્યો હતો. ટીમના એક સભ્યની તાજેતરની ધરપકડ થતાં જેસીસીને આંચકો લાગ્યો હતો. જેસીસીએ દિલ્હી પોલીસ પર આરોપ લગાવ્યો છે કે, પોલીસ ઉત્તર -પૂર્વ દિલ્હી હિંસામાં અસલી ગુનેગારોની ધરપકડ કરવાના બદલે વિદ્યાર્થી કાર્યકરોને નિશાન બનાવે છે. જેસીસીએ કહ્યું છે કે, તે “સીએએ/એનઆરસી/એનપીઆર જેવા કાયદાઓ લાવનાર ફાશીવાદી સરકાર અને તેના નરસંહાર સામે લડત ચાલુ રાખશે. જેસીસીએ કહ્યું છે કે, આ ગેરકાયદેસર અને બદલાના ભાવનાથી કરાયેલ પોલીસ કાર્યવાહીને રોકવા માટે તમામ લોકશાહી દળો વિરોધમાં ઊભા થાય. એવી માગણી કરીને પોતાનું તાજેતરનું નિવેદન આપ્યું છે અને સરકારને સીએએ/એનઆરસી વિરોધી આંદોલનના સંબંધમાં ધરપકડ કરાયેલા તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવાની વિનંતી કરી છે.