(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
સુરતમાં કોરોના રોજ ઘાતક અને ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેના લીધે મૃત્યુઆંક સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે પણ એક દર્દીનું મોત નિપજ્યુ છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાં કોરોના ૫૬ વ્યક્તિઓને ભરખી ગયો છે. જ્યારે કોરોના સંક્રમિત દર્દીઓની હાલત ગંભીર જોવા મળી રહી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં આજે ૨૪૭ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૪૪- દર્દીઓની હાલત ગંભીર છે, જેમાં ૧ – વેન્ટિલેટર, ૧૮ – બીપેપ અને ૨૫ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ સુરત શહેરમાં નવા ૧૪ અને જિલ્લામાં એક કેસ મળી કુલ પોઝિટિવ કેસનો આંક ૧,૨૫૪ પર પહોંચ્યો છે.
ગુરૂવારે બપોરના ૧ વાગ્યા સુધી ૧૪ કેસો સપાટી પર આવ્યા છે. આ સાથે સુરત શહેરમાં પોઝીટીવ કેસનો આંકડો ૧,૧૬૭ પર પહોંચી ગયો છે. જયારે જિલ્લાના વરેલી ગામમાં રહેતા અંશુ રાધેશ્યામ કોરોજીયા નામના યુપીવાસી યુવકની તબિયત લથડતા આરોગ્ય વિભાગે ૨૦મી મે ના રોજ સેમ્પલો લીધા હતા. તેમનો રીપોર્ટ પોઝિટિવ આવતાં બારડોલીની માલીબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે વરેલીમાં ૧૬ કેસો નોંધાયા છે. આમ જિલ્લામાં અત્યાર સુધી ૮૭ કેસો નોંધાયા છે. આમ સુરત શહેર અને જિલ્લા મળી કુલ ૧,૨૫૪ કેસો થયા છે. એની સામે અત્યાર સુધી ૮૨૩ લોકો કોરોનાને મ્હાત આપી ચુકયા છે. આમ સુરત શહેરમાં કોરોના પોઝીટીવનો ડિસ્ચાર્જ રેટ ૬૬ ટકા હોવાનું જાણવા મળ્યુ છે.