(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨૮
અમદાવાદની શેઠ એલ.જી. હોસ્પિટલમાં નર્સિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા બોરસદનાં મુસ્લિમ યુવાન કોરોનાં વોરીયર્સએ ઈદની પવિત્ર ઉજવણી પણ કોવીડ-૧૯ સેન્ટરમાં કોરોનાં પોઝિટિવ દર્દીઓની સેવા કરતા જ કરી હતી.
બોરસદ શહેરનાં સૈયદવાડા વિસ્તારમાં રહેતો અઝહરઅલી હજરતઅલી સૈયદ હાલમાં અમદાવાદની સેઠ એલ.જી. હોસ્પિટલમાં નર્સિંગ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યો છે, હાલમાં કોરોનાં મહામારી દરમિયાન કોરોના વોરીયર્સ અઝહરઅલીએ વિદેશથી આવનારા નાગરિકોનું એરપોર્ટ પર સ્ક્રીનીંગ, આયસોલેશન વોર્ડંમાં કોરોનાં પોઝિટિવ દર્દીઓની સારવાર તેમજ સર્વેલન્સ ટીમમાં પણ સેવા આપી છે. રમઝાનનાં પવિત્ર માસમાં રોઝા અને નમાઝ પણ કોરોનાં પોઝિટિવ દર્દીઓની વચ્ચે તેઓની સેવા કરતા જ તેણે બજાવી છે. થોડા દિવસો પૂર્વે કોરોનાં પોઝિટિવ તબીબનાં સંપર્કમાં આવવાનાં કારણે અઝહરઅલી સૈયદને ૧૪ દિવસ માટે કવોરોન્ટાઈન કરવામાં આવ્યો હતો, અને કવોરોન્ટાઈન સમય પૂર્ણ કર્યા બાદ તે પોતાની ફરજ પર પુનઃ હાજર થઈ ગયો હતો. હાલમાં ઈદ જેવી પવિત્ર ઉજવણી પણ તેઓએ પોતાનાં પરિવાર સાથે કરવાનાં બદલે આ મહામારીનાં સમયમાં લોકોની સેવા પ્રથમ સ્થાને હોઈ તેઓએ કોવીડ-૧૯ સેન્ટરમાં કોરોનાં પોઝિટિવ દર્દીઓની સારવાર સેવા કરતા જ ઈદની ઉજવણી કરી હતી.