જામનગર, તા.૨
જામનગર કોર્પોરેશનના ઇતિહાસમાં એક નવો ઇતિહાસ રચાયો છે, ગઇકાલે બપોર બાદ બે નગરસેવીકાઓએ ૮૦ ફુટ રોડ ઉપર કોર્પોરેશન દ્વારા હટાવાયેલી રેંકડીના પ્રશ્ને મ્યુ. કમિશનર સમક્ષ જોરદાર રજૂઆત કર્યા બાદ આ પ્રશ્નનો ઉકેલ ન આવતા કમિશનર કચેરીની પાસે જ ધરણાં ઉપર બેસી ગયા હતા, સમજાવટ છતા કોર્પોરેટર રચના નંદાણીયા તથા જેનબબેન ખફી મ્યુ. કમિશનરની કચેરી પર આખી રાત ધરણાં કર્યા હતા, આ બનાવ બનતા જ કોર્પોરેશનમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઇ છે, બીજી તરફ મ્યુ. કમિશનર સતિષ પટેલે જણાવ્યુ હતું કે, આ વિસ્તારમાં રહેલી રેંકડી, કેબીન મહાપાલીકાની માલિકીની જમીનમાં હતી, નિયમ મુજબ હટાવવામાં આવી છે, કોર્પોરેટર રચના નંદાણીયા અને જેનબ ખફીએ જણાવ્યુ હતું કે, જયાં સુધી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમો આંદોલન કરીશું.
આ અંગેની વિગત એવી છે કે ૮૦ ફૂટ રીંગ રોડ ઉપર આશરે ૨૨ વર્ષ પહેલા ખોડિયાર કોલોની વિસ્તારમાં ૨૦ કેબીન અને ૧૦ જેટલી રેંકડી ઊભી રહે છે, એ વખતે રેંકડી, કેબીન ધારકો હાઇકોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટના જજની કમિટીએ જામનગર શહેરમાં ૧૩ સ્થળોએ રેંકડી-કેબીન રાખવા જણાવ્યું હતું, તેમાં આ સ્થળનો પણ સમાવેશ થાય છે. થોડા સમય પહેલા મહાપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ તમામ ૩૦ રેંકડી-કેબીનો મહાપાલિકાની જગ્યામાંથી હટાવવામાં આવી હતી ત્યારબાદ આ વિસ્તારના કોર્પોરેટર મેરામણ ભાટુએ મ્યુ. કમિશનગર સમક્ષ લેખિત રજૂઆત કરીને આ લોકોને ન્યાય આપવા માગણી કરી હતી.
કોર્પોરેટર રચના નંદાણીયા અને જેનબ ખફીએ જણાવ્યું હતું કે, વર્ષોથી આ જગ્યા ઉપર રેંકડી-કેબીનધારકો ગુજરાન ચલાવે છે, મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી પરંતુ તેમણે કહ્યું હતું કે, આ જગ્યા કોર્પોરેશનની માલિકીની છે અને તેનું વેચાણ કરવાનું છે.
ગઇકાલે સાંજે ૪ વાગ્યાથી કમિશનર કચેરીની બહાર આ બંને નગરસેવીકાઓએ રેંકડી-કેબીન ધારકો રમેશભાઇ કુબેર, જગદીશભાઇ જેઠવા, મનસુખભાઇ રાઠોડ, જેન્તીભાઇ તથા ઇમ્તિયાઝ પઠાણને સાથે રાખીને ધરણાં શરૂ કર્યા હતા.