(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરીને જણાવ્યું હતુ કે, ભારતના પશ્ચિમી દરિયા કાંઠાના ભાગોમાં વાવાઝોડાની અસર અંગેની સ્થિતિની સમીક્ષા કરી છે. બધાના સારા માટે પ્રાર્થના કરૂં છું. હું દરેક લોકોને શક્ય તેટલી સાવચેતી અને સુરક્ષાના પગલાં ભરવાની અરજ કરૂં છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને દીવ તથા દમણ અને દાદરા તથા નગર હવેલીના વહીવટીતંત્ર સાથે ફોન પર વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. સાથે જ કેન્દ્ર તરફથી તમામ મદદનું આશ્વાસન પણ આપ્યું હતું. સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ફોન પર વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.