(એજન્સી) મુંબઈ, તા.૬
હાલમાં ચાલી રહેલી કોવિડ-૧૯ મહામારી અને સઉદી સરકાર તરફથી કોઈ સ્પષ્ટ સૂચના ન હોવાના કારણે હજ કમિટી ઓફ ઈન્ડિયાએ આ વર્ષે હજયાત્રા રદ કરવા માંગતા લોકોને પૂરેપૂરા પૈસા પરત આપવાની જાહેરાત કરી હતી. હજ કમિટીએ તેમને કહ્યું હતું કે, આ માટે એક ફોર્મ ભરી અને તેની સાથે એક કેન્સલ ચેક જોડી હજ કમિટીના સીઈઓને મોકલવાનું રહેશે.
હજયાત્રા : કોઈ સત્તાવાર સંદેશા વ્યવહાર નહીં
હજ કમિટીના સરક્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે, હજયાત્રામાં થોડા જ અઠવાડિયાનો સમય બાકી છે પરંતુ સઉદી વહીવટી તંત્રે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર સંદેશા વ્યવહાર કર્યો નથી. નોંધનીય છે કે, હિજરી કેલેન્ડરના છેલ્લા મહિનામાં વિશ્વભરમાંથી મુસ્લિમો સઉદી અરબના મક્કાશરીફમાં હજયાત્રા માટે એકત્ર થાય છે પરંતુ મહામારીથી સઉદી પણ અસરગ્રસ્ત થયું હોવાથી આ વર્ષે હજયાત્રા અંગે આશંકા પ્રર્વતે છે.
દર વર્ષે બે લાખ ભારતીયો હજયાત્રા કરે છે
દર વર્ષે લગભગ બે લાખ જેટલા ભારતીયો હજયાત્રાએ જાય છે જેમાંથી ૧.૪૦ લાખ હજયાત્રીઓ હજ કમિટી મારફત જાય છે જ્યારે બાકીના ખાનગી ટુર ઓપરેટરો મારફતે સઉદી અરબ જાય છે.