(એજન્સી) તા.૧૬
મંગળવારે મહારાષ્ટ્રમાં કુલ ૧,૧૦,૭૪૪ કેસો નોંધાવા સાથે રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે તેમ છતાં હવે રાજ્ય સરકારે ધીમે ધીમે સામાન્ય સ્થિતિ સ્થાપવાનો પ્રયાસ શરૂ કર્યો છે જેના એક ભાગરૂપે આવશ્યક સેવાઓમાં જોડાયેલા કર્મચારીઓ માટે સોમવારથી લોકલ ટ્રેન સેવા શરૂ કરવાનો અને એર ટ્રાફિકમાં પણ બે ગણો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો.
એર ટ્રાફિક વધારવાના એક નાનકડાં પ્રયાસ તરીકે સત્તાવાળાઓએ મુંબઇ એરપોર્ટ ઉપર આવતી (એરાઇવલ) અને જતી (ડિપાર્ચર) ડોમેસ્ટિક ફ્લાઇટની હાલની ૨૫ની સંખ્યાને વધારીને ૫૦ કરવાનો નિર્ણય કરાયો હતો, અર્થાત મંગળવારથી મુંબઇ એરપોર્ટ ઉપર દરરોજ ૫૦ ડોમેસ્ટિક ફ્લાઇટ આવશે અને ૫૦ ઉપડશે. દેશનું બીજા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ ગણાતા મુંબઇ એરપોર્ટ ઉપર કોવિડ-૧૯ પહેલાં દરરોજ ૧૦૦૦ ફ્લાઇટ આવતી હતી અને એટલી જ સંખ્યામાં ઉપડતી હતી, પરંતુ હવે દરરોજની ૧૦૦ ફ્લાઇટનો ટ્રાફિક વધવાથી મુસાફરોને ચેપ લાગવાનું જોખમ વધી જશે કેમ કે ફ્લાઇટમાં સોશિયલ ડિસ્ટન્સિંગના કોઇ નિયમો લાગુ પડતાં નથી. મુંબઇના એરપોર્ટને મંગળવારથી દરરોજ ૧૦૦ પેસેન્જર ફ્લાઇટના ટ્રાફિકની મંજૂરી આપવામાં આવે છે જેમાં ૫૦ ફ્લાઇટ એરપોર્ટ ઉપર ઉતરી શકશે અને ૫૦ ફ્લાઇટ ઉડી શકશે એમ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એમઆઇએએલ) દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. સામાન્ય જનતા વિમાન સુધી ગીર્દી કરી શકતી નથી કે એરપોર્ટ ઉપર સૌને જવાની મંજૂરી હોતી નથી, તદઉપરાંત એરપોર્ટ ઉપર આવેલા મુસાફરને શોધવો ઘણો જ સહેલો હોય છે તેથી હવાઇ મુસાફરી સૌથી સલામત છે એવો સંદેશ પેસેન્જરો સુધી પહોંચાડવા એરલાઇન્સ કંપનીઓ હાલ કાર્યરત છે. યાદ રહે કે ગત ૨૫ મેથી આજદિન સુધીમાં ૧ ટકાથી પણ ઓછા મુસાફરોને વાયરસનો ચેપ લાગ્યો હતો એમ ધ હિંદુ અખબારે તેના અહેવાલમાં દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મુંબઇ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૦૬૭ નવા કેસ નોંધાવા સાથે શહેરના કુલ કેસની સંખ્યા ૫૯,૨૯૩ ઉપર પહોંચી ગઇ હતી એવા સમયે સત્તાવાળએ લોકલ ટ્રેન સેવા ચાલું કરી રહ્યા છે અને એર ટ્રાફિક બેવડો કરી રહ્યા છે.