વડોદરા,તા.૧૭
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા કાલાઘોડા ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો એકત્ર થયા હતા અને મોદી સરકાર સામે ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા અને પેટ્રોલ અને ડીઝલમાં કરેલો અસહ્ય ભાવ વધારો પાછો ખેંચવાની માગ કરી હતી. આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, ઋત્વીજ જોશી અને નરેન્દ્ર રાવત સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અર્ધનગ્ન હાલતમાં કાર્યક્રમમાં જોડાયેલા કોંગ્રેસના કાર્યકરોએ સરકાર દ્વારા પ્રજા પર દમન ગુજારવામાં આવી રહ્યો છે, તેવા સૂત્રોચ્ચારો કર્યા હતા અને રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. જેથી સયાજીગંજ પોલીસે દેવાંગ ઠાકોર, મિતેશ ઠાકોર, હેરી ઓડ અને હર્ષિલ અકોલકર સહિત ૧પ કાર્યકરોની અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોએ ભારત-ચીન સરહદ પર શહીદ થયેલા વીર જવાનને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસે છેલ્લા ર દિવસથી આક્રમક રીતે આંદોલનની શરૂઆત કરી છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા કાલાઘોડા ખાતે કોંગ્રેસે આજે આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હતો. કોંગ્રેસના ૧પ કાર્યકરોએ અર્ધનગ્ન થઈને મોદી સરકારના પ્રજા પરના દમનનો વિરોધ કર્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના ૧પ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.